અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદઘાટન આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મિલ્ક બેંક નવજાત શિશુઓના સ્વાસ્થ્ય અને વિકાસ માટે એક ક્રાંતિકારી પગલું છે. આ પ્રોજેક્ટ માટે બી.જે. મેડિકલ કોલેજના એલ્યુમની એસોસિએશન, યુ.એસ.એ., પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન અને 1974ની બેચના વિદ્યાર્થી ડો. ગૌરાંગ પંડ્યાએ 80,000 અમેરિકન ડોલરનું દાન આપ્યું છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માતાનું દૂધ નવજાત શિશુઓ માટે સર્વોત્તમ આહાર છે. જે પોષક તત્વો, એન્ટિબોડીઝ અને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જે માતાઓ પૂરતું દૂધ નથી આપી શકતી, ગંભીર બીમારીથી પીડાય છે અથવા સમય પહેલાં જન્મેલા શિશુઓ માટે આ મિલ્ક બેંક જીવનદાયી સાબિત થશે. આ પહેલ બાળ મૃત્યુદર ઘટાડવામાં અને શિશુઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.ગુજરાતમાં સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગરમાં મિલ્ક બેંક કાર્યરત છે, અને ટૂંક સમયમાં ભાવનગર, જામનગર અને રાજકોટમાં પણ આવી સુવિધાઓ શરૂ થશે. તેમણે હોસ્પિટલના સ્ટાફ અને આશા વર્કરોના માનવીય અભિગમની પ્રશંસા કરી અને બાળ તેમજ માતા મૃત્યુદરમાં થયેલા સુધારાનો શ્રેય તેમને આપ્યો હતો.’મા વાત્સલ્ય’ મિલ્ક બેંકમાં ક્લાઉડ આધારિત સોફ્ટવેર, યુનિક આઈડી સિસ્ટમ, આઠ દૂધ એક્સપ્રેશન સ્ટેશન, ઓટોમેટિક પેસ્ટરાઈઝર અને 45 લિટરની સંગ્રહ ક્ષમતાવાળા ડીપ ફ્રીઝર છે. દૂધની શુદ્ધતા માટે બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટિંગ, સ્વચ્છ બાથરૂમ, RO પાણી, સ્ટેરિલાઈઝેશન અને મ્યુઝિક સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ બેંકમાં 10 સ્ટાફ નર્સ, 1 લેબ ટેકનિશિયન અને 2 બાળરોગ નિષ્ણાતોની 24×7 ટીમ કાર્યરત છે.આ મિલ્ક બેંકની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ એવા નવજાત શિશુઓને માતાનું દૂધ પૂરું પાડવાનો છે. જેમના માટે માતાનું દૂધ ઉપલબ્ધ ન હોય, આમાં એવા બાળકોનો સમાવેશ થાય છે. જેમની માતાઓને પૂરતું દૂધ ન આવતું હોય, જેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, અથવા તો જેઓ સમય પહેલાં જન્મેલા (પ્રિમેચ્યોર) અને ગંભીર સ્થિતિવાળા હોય. માતાનું દૂધ નવજાત શિશુઓ માટે સર્વોત્તમ આહાર છે, અને તે જરૂરી પોષક તત્વો, એન્ટિબોડીઝ અને સંરક્ષણાત્મક ગુણધર્મો પૂરા પાડે છે. આ મિલ્ક બેંક શિશુ મૃત્યુદર ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
46
previous post

