સુરતમાં રીક્ષા ગેંગનો પર્દાફાશ

by mahi
0 comments

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રીક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે એક રીક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે રીક્ષાની આડમાં નિર્દોષ મુસાફરોને નિશાન બનાવી લૂંટ કરતી હતી. છેલ્લા કેટલાક સમયથી આ ગેંગનો ત્રાસ વધ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતા અને સક્રિયતાને કારણે આરોપીઓ ગુનો આચરે તે પહેલાં જ ઝડપાઈ ગયા. આ ગેંગનો મોડસ ઓપરેન્ડી એવો હતો કે તેઓ સામાન્ય મુસાફરોની જેમ રીક્ષામાં બેસાડતા અને પછી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુની ધાક બતાવી કિંમતી સામાન, રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ કરતા. આવી ઘટનાઓની જાણકારી જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી.પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ અને એક સગીરને ઝડપી લીધા છે.પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાતું ચપ્પુ અને ચોરાયેલો માલસામાન જપ્ત કર્યો છે. કોસંબા પી.આઈ. ડી. એલ. ખાચરના જણાવ્યા મુજબ, આ આરોપીઓ દેખાવમાં ભલે માસૂમ લાગે, પરંતુ ગુનાખોરીમાં રીઢા અને ચાલાક છે.આ ઘટનાએ કાયદા અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. વારંવાર આવા ગુનેગારો જામીન પર છૂટી જતા હોવાથી તેઓને કાયદાનો ડર રહેતો નથી. પરિણામે, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ, ચેન સ્નેચિંગ અને લૂંટ જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કાયદાકીય છટકબારીઓનો લાભ લઈ ગુનેગારો ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરે છે.જનતાની માંગ છે કે આવા રીઢા ગુનેગારોને કડક સજા આપવામાં આવે અને કાયદામાં એવી જોગવાઈઓ કરવામાં આવે કે જેથી તેઓ લાંબા સમય સુધી જેલમાં રહે.

You may also like

Leave a Comment