આજકાલ વાળની સુંદરતા જાળવવા માટે આપણે બ્રાન્ડેડ શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ, પણ જો એ જ શેમ્પૂ નકલી હોય તો શું? સુરત જિલ્લામાં આવા જ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કામરેજ પોલીસે નવકાર ઇન્ડસ્ટ્રીઝના એક ગોડાઉનમાંથી લગભગ 50 લાખ રૂપિયાનો નકલી બ્રાન્ડેડ શેમ્પૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનાની વિગત મુજબ, કામરેજ પોલીસને બાતમી મળી હતી કે નવાગામમાં આવેલા નવકાર ઇન્ડસ્ટ્રીઝના એક ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીનો નકલી શેમ્પૂનો મોટો જથ્થો સંગ્રહવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં તેઓ પણ ચોંકી ગયા હતા. ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં નકલી શેમ્પૂની બોટલો મળી આવી હતી.પોલીસે ઘટનાસ્થળેથી મુકુંદ હસમુખભાઈ માવાણી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તેની પાસે આ પ્રોડક્ટ્સ વેચવાનો કોઈ પરવાનો નહોતો. પોલીસે જ્યારે બોટલોની તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે તેના પર કોઈપણ અધિકૃત લેખન કે સિક્કો નહોતો, અને એક્સપાયરી ડેટ પણ ગાયબ હતી. ઘણી બોટલો પર તો કંપનીના સ્ટીકર પણ લગાવેલા નહોતા. પોલીસે ગોડાઉનમાંથી કુલ 4,115 સ્ટીકરવાળી બોટલો, 30 સ્ટીકર વગરની બોટલો, અને અન્ય 50 બોટલો મળીને કુલ 49.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ આરોપીની વધુ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી. તેણે સુરત શહેરમાં એક કારખાનું સ્થાપીને આ નકલી શેમ્પૂનું ઉત્પાદન કર્યું હતું અને તેને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન વેબસાઈટ પર વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માલ રિજેક્ટ થતાં તેણે આ જથ્થો હોલસેલ વેપારીઓને વેચવા માટે નવાગામના આ ગોડાઉનમાં રાખ્યો હતો. જોકે, કોઈ હોલસેલ વેપારી આવે તે પહેલાં જ કામરેજ પોલીસે તેને ઝડપી પાડ્યો.પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, આ વેપાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને અત્યાર સુધીમાં કેટલો નકલી જથ્થો વેચી દેવામાં આવ્યો છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ ખરીદતી વખતે ગ્રાહકોએ સાવચેતી રાખવી કેટલી જરૂરી છે.
29
previous post

