31
ડીસાની ફટાકડાની ફેક્ટરીના બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે, દરેક મૃતકના પરિવારને 2 કરોડ રૂપિયાનું વળતર મળે તે માટે આ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. સુપ્રીમમાં અરજી સ્વીકાર્યા બાદ તમામ કોર્ટે પક્ષોને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના સચિવ અને બનાસકાંઠા કલેક્ટરને નોટિસ ફટકારી છે. આ કેસમાં કોર્ટે જણાવ્યું છે કે, આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરે થશે.એવું કહેવામાં આવ્યું હતું કે, SIT એ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કારણે, પીડિત પક્ષ વતી વકીલ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટમાં સીધા વળતરની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અપીલ કરતી વખતે, ગુજરાત બહારની પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ ફટાકડા ફેક્ટરીઓની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ, પીડિત પક્ષે સંબંધિત સરકારી અધિકારીઓ સામે ફરીથી તપાસની માંગ કરી હતી.1 એપ્રિલના રોજ, બનાસકાંઠાના ડીસાની એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આમાં 17 કામદારોના મોત થયા હતા. બનાસકાંઠાના SDM નેહા પંચાલના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે ફેક્ટરીનો સ્લેબ પડી ગયો હતો. તેના કારણે ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા. કહેવામાં આવ્યું હતું કે, ફટાકડા ફેક્ટરીમાં અકસ્માત બોઈલર ફાટવાને કારણે થયો હતો.

