અમદાવાદ તેના સમૃદ્ધ ઇતિહાસ, વાસ્તુકલા અને સંસ્કૃતિ માટે જાણીતું છે. આ શહેરના અનેક આકર્ષણોમાંનું એક છે તેનું અનોખું અને જીવંત ફૂલ બજાર. જમાલપુર ફૂલ માર્કેટ, જ્યાં વિવિધ પ્રકારનાં રંગબેરંગી ફૂલોથી બજાર ખીલી ઉઠે છે, સવારે ત્રણ વાગ્યાથી જ ધમધમવા માંડે છે. અમદાવાદનું આ ફૂલ બજાર શહેરના જૂના વિસ્તારમાં જમાલપુર બ્રિજની બાજુમાં ભરાય છે. વહેલી સવારે ત્રણ વાગ્યાથી શરૂ થતું આ બજાર સવારે નવ વાગ્યા સુધી હોલસેલ વેપારીઓ અને રિટેલ ગ્રાહકોની ભીડથી ગુંજી ઉઠે છે. શહેરના ખૂણે-ખૂણેથી ફૂલોના વિક્રેતાઓ અને ખરીદદારો અહીં ઉમટે છે, જેનાથી વહેલી સવારથી જ બજારમાં રોનક છવાય છે. અહીં વિવિધ પ્રકારનાં ફૂલો સરળતાથી મળી રહે છે.ફૂલ બજાર કમિટીના સભ્ય હસમુખભાઈએ જણાવ્યું કે, આ માર્કેટની શરૂઆત 1989માં થઈ હતી. ગુલાબ સ્થાનિક ખેડૂતો પાસેથી, જ્યારે કેસરી અને પીળા ગલગોટા નાસિક તથા મધ્યપ્રદેશથી આવે છે. અન્ય ફૂલો આણંદ, ધોળકા, મોડાસા અને વિજાપુરથી મેળવવામાં આવે છે. આ માર્કેટમાં મોગરો, જુઈ, કમળ, બે પ્રકારના ગલગોટા, ગુલાબ અને કટ ફ્લાવર્સ (ઇંગ્લિશ ફૂલો) જેવાં ફૂલો ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ ખાસ કરીને બુકેમાં થાય છે. અહીં હોલસેલ અને રિટેલ બંને પ્રકારના વેપારીઓ આવે છે.ફૂલ બજારના જૂના વેપારી પ્રવીણભાઈએ જણાવ્યું કે, ફૂલો મોટે ભાગે નાસિકથી અને સ્થાનિક ખેડૂતો પાસેથી મેળવવામાં આવે છે. આ માર્કેટમાં 20થી 25 પ્રકારનાં ફૂલો મળે છે, જેમાં લાલ ગુલાબ, કાશ્મીરી ગુલાબ, જાસૂદ, લાલ અને પીળા ગોટા, ધુતુરો, મોગરો અને કમળનો સમાવેશ થાય છે. ફૂલ બજાર સવારે ત્રણ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલે છે. અમદાવાદ ઉપરાંત આજુબાજુનાં ગામડાંઓમાંથી પણ લોકો અહીં ખરીદી માટે આવે છે.
48

