151
બનાસકાંઠા: ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર આવેલા લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ મેઘમહેરથી સમગ્ર પર્વતીય વિસ્તાર ફરીથી જીવનત બની ગયો છે. કુદરતી સૌંદર્યની વચ્ચે વરસાદની મજા માણવા હજારો પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ ઉમટ્યા છે.અચાનક શરૂ થયેલા ભારે વરસાદથી માઉન્ટ આબુ પર ઝરણા વહેતા થયા છે. કુદરતની કળા સોળે કલાએ ખીલી ઉઠી છે. જેથી માઉન્ટ આબુમાં આજથી ફરીથી ધૂંધ, ઠંડક અને શીતળ પવન સાથે હવામાન તાજગીભર્યું બની ગયું છે. ખાસ કરીને વિકએન્ડની રજાઓ હોવાથી પ્રવાસીઓનો પણ અહીંયા ઘસારો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લી 24 કલાકમાં ( 19-20 જુલાઈ) રાજ્યનો સૌથી વધુ 4.5 ઈંચ જેટલો વરસાદ બંનાસકાઠા પંથકમાં જ નોંધાયો છે. ખાસ કરીને દાંતામાં 4.45 ઈંચ, લાખાણીમાં 2.8 ઈંચ, અમીરગઢમાં 2.7 ઈંચ અને પાલનપુરમાં 2.56 ઈંચ વરસાદ નોંધાયો છે, આ તમામ વિસ્તારો માઉન્ટ આબૂની આસપાસ જ આવેલા હોવાથી માઉન્ટ આબૂ પર પણ રમણીય વાતાવરણ છવાયું છે.નોંધનીય છે કે, આબુમાં આગામી 24 કલાકમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ભારે વરસાદ અને વધતી જતી પાણીની સપાટીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ માર્ગદર્શન જારી કરવામાં આવ્યું છે – ઢાળાવાળા વિસ્તારોમાં સાવધાની રાખવી અનિવાર્ય છે. સાથે તળાવ પર બોટિંગ સેવા તાત્કાલિક બંધ કરી દેવાઈ છે.

