ઝાંઝરડા ટાઉન પ્લાનિંગ યોજનાને લઈને ખેડૂતો અને જુડાના અધિકારી વચ્ચે અસંતોષ

by JAYENDRA UPADHYAY
0 comments

જુનાગઢ કોર્પોરેશનના ઝાંઝરડા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગની યોજના નંબર7 ને લઈને ખેડૂતો અને જુડાના અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન થયું હતું. બેઠક શરૂ થયાના અડધો કલાક બાદ જ અચાનક ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે બેઠકમાં આયોજન અને સમગ્ર યોજનાની અપૂરતી વિગતોને લઈને વિરોધ થતા બેઠક મોકુફ રાખવાની ફરજ પડી હતી.રાજ્ય સરકાર વર્ષ 2025ને શહેરી વિકાસના વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝાંઝરડા વિસ્તારમાં જુડા દ્વારા ટાઉન પ્લાનિંગ યોજના 7 અમલમાં આવવા જઈ રહી છે, જેને લઈને આજે જુનાગઢ માં જુડાના અધિકારીઓ અને ઝાંઝરડા ટાઉન પ્લાનિંગ યોજના 7 અંતર્ગત આવતા અસરગ્રસ્ત ગામ લોકો અને ખેડૂતો વચ્ચે એક બેઠકનું આયોજન થયું હતું. બેઠક શરૂ થયાના અડધો કલાકમાં જ બેઠકના મુસદ્દાને લઈને ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળતો હતો. જુડાના અધિકારીઓ દ્વારા ટાઉન પ્લાનિંગ યોજનાને લઈને યોજનાગત પૂરતી માહિતી અને સમગ્ર યોજનાનું વિસ્તૃતિકરણ પ્લાન ખેડૂતો અને અસરગ્રસ્ત ગામ લોકોને નહીં આપતા તમામ લોકોમાં ભારે કચવાટ જોવા મળતો હતો, જેને લઇને કેટલાક ખેડૂતોએ ખૂબ જ ઉગ્ર બનીને જુડાના અધિકારીઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરીને તેમની જમીન પ્લાનિંગ યોજના અંતર્ગત લઈ લેવા માંગે છે, તેમ કહીને આજની બેઠકનો વિરોધ કર્યો હતો. આયોજિત બેઠક નિયમ 17 અંતર્ગત યોજવામાં આવી હતી, જેમાં જુદાની કલમ 42 અન્વયે જુડાના અધિકારીઓ દ્વારા સમગ્ર ટાઉન પ્લાનિંગ યોજનાના ઠરાવ અને યોજનાની વિગતો અભ્યાસ માટે ખેડૂતોને 20 દિવસની સમય મર્યાદામાં આપવામાં આવતી હોય છે. જુડાની નિયમ અને કલમ નંબર 17 અંતર્ગત બેઠક બોલાવીને સમગ્ર ટાઉન પ્લાનિંગ યોજનાની જાણકારી ખેડૂતોને આપવામાં આવતી હોય છે, પરંતુ આજની બેઠક માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન બોલાવવામાં આવી હતી. ખેડૂતોને માત્ર બે કલાકનો સમય યોજના સમજવા માટે આપવામાં આવ્યો જેને લઈને ખેડૂતોમાં ખૂબ જ વિરોધ જોવા મળ્યો હતો.વધુમાં ખેડૂતો એવી પણ માંગ કરી રહ્યા હતા કે, બેઠકમાં જે પ્રમાણે ખેડૂતો અને જુડાના અધિકારીઓ વચ્ચે સવાલ જવાબ થાય જેનું પ્રોસિડિંગ કરવામાં આવે અને પ્રત્યેક સવાલની સામે જુડાના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા જવાબોનું નોટિફિકેશન લેખિતમાં થાય તો ખેડૂતોને યોજનાગત માહિતીની પાકી જાણકારી મળી શકે. આ રીતના માત્ર બે કલાકના સમયમાં અને એકદમ મૌખિક રીતે 1200 કરોડ કરતાં વધારેની ટાઉન પ્લાનિંગ સ્કીમ યોજના ખેડૂતો વચ્ચે મૂકીને જુડાના અધિકારીઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.વધુમાં 40% જમીન જે ખેતીલાયક છે તે બિલકુલ વિનામૂલ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક જઈ રહી છે જેને માટે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જમીન સંપાદન એક્ટ મુજબ જાહેર હેતુ માટે લેવામાં આવતી જમીન વર્ષ 2013માં થયેલા ઠરાવ અને ટાઉન પ્લાન એકટ 20 અને 107 અંતર્ગત યોજનાની અમલવારી કરવામાં આવતી હોય છે. ટાઉન પ્લાનિંગ અને યોજના બંને અલગ અલગ વિષય છે, જેથી ખેડૂતોને આમાં પાકી સમજણ આપવાની જરૂર હતી. વધુમાં ટાઉન પ્લાનિંગ સ્કીમથી કોને કેટલો ફાયદો થાય છે બેટલમેન્ટ ચાર્જ અને નગર રચના યોજના શું છે તેવી કોઈ પણ પ્રકારની જાણકારી ખેડૂતોને અપાય નથી, જેથી ખેડૂતોને આ યોજનામાં નુકસાન થવાની પૂરી શક્યતા છે.જુડાના સભ્ય સચિવ એચ કે બાટી એ સરકારની આ યોજના ખેડૂતોને સમજાવવા માટે આજની આ બેઠકનું આયોજન થયું હતું. જેમાં ટાઉન પ્લાનિંગ એકટ નિયમ બેટરમેન્ટ ચાર્જ જમીન કપાતનું ધોરણ સહિતના ખેડૂતોને સ્પર્શતા જે મુદ્દામાં ખેડૂતોને સ્વયં વાંધા અરજી દાખલ કરવાની હોય તેમને આજના દિવસ બાદ સાત દિવસ સુધીમાં પોતાની વાંધા અરજી લેખિતમાં જુડા કચેરીએ રજૂ કરવાની હતી, ત્યારબાદ રાજ્યની સરકાર અંતિમ ટાઉન પ્લાનિંગ યોજનાનું જાહેરનામું બહાર પાડતી હોય છે.જાહેરનામું બહાર પડ્યા પછી પણ ખેડૂતો 30 દિવસની સમય મર્યાદામાં તેમના વાંધા અરજી લેખિતમાં જુડા કચેરી અને રાજ્યની સરકારને કરતી હોય છે, જે ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 48 એક અન્વયે જુડાના અધિકારીઓ દ્વારા સરકારમાં મોકલવામાં આવતી હોય છે, ત્યારબાદ ટાઉન પ્લાનિંગ યોજનાને મંજૂરી આપવામાં આવતી હોય છે. હાલ જુડા દ્વારા ઝાંઝરડા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ યોજના 07 અમલમાં આવી રહી છે. બેટરમેન્ટ ચાર્જ 92 રૂપિયાથી લઈને 298 રૂપિયા સુધીનો અંદાજવામાં આવ્યો છે. આ તમામ વિગતો આજની ખેડૂતો સાથે થયેલી બેઠકમાં ખેડૂતોને આપવામાં આવી છે.

You may also like

Leave a Comment