સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાલી રહેલા પશુપાલકોના વિરોધ પ્રદર્શન મુદ્દે સાબરડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબર ડેરીએ પશુપાલકો માટે જાહેર કરાયેલા દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો જાહેર કરાયો છે. સાબર ડેરી પશુપાલકોને હવે વાર્ષિક પ્રતિ કિલો ફેટે રૂપિયા 990ની જગ્યાએ 995 રૂપિયા ચૂકવશે. આ નિર્ણયથી હજારો પશુપાલકોને ફાયદો થશે. ખાસ છે કે, ગત 14મી જુલાઈના રોજ સાબર ડેરીની બહાર હજારોની સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા અને ભાવફેર મુદ્દે વિરોધ કરી રહ્યા હતા. જે બાદ પશુપાલકોએ ઘણા સ્થળોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. જે બાદ સાબરડેરીની બેઠકમાં સર્વાનુમતે ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંદોલન દરમિયાન જે 47 પશુપાલકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે તેમને પણ તાત્કાલિક છોડવા માટે પ્રયાસ કરાશે. બેઠકમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તેમજ ડેરીના નિયામક મંડળ સહિત પશુપાલક આગેવાનો તેમજ કિસાન સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સાબર ડેરીના આગેવાનોની બેઠક બાદ ચેરમેન શામળ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો માટે આજે જે 3 મુદ્દા હતા તેના પર ચર્ચા કરવામાં આવી. સાબર ડેરી વર્ષે આખરે કેટલો ભાવ આપશે. ચાલુ વર્ષે દરેકની માગણી પ્રમાણે 960 રૂપિયા ભાવ ચૂકવ્યો હતો અને નિયામક મંડળે જે 995 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો એ આજની બેઠકમાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને બાકીના 35 રૂપિયા AGMની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે કર્યું છે. જે 35 રૂપિયા બાકી છે એ અમે વહેલી તકે ચૂકવવાનો પ્રયાસ કરીશું.
29
previous post

