અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાણીઓના કરડવાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે લોકોમાં હડકવાના રોગ થવાની ચિંતાઓ વધી જાય છે. અને યોગ્ય સમયે જો હડકવાની રસી લેવામાં ના આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં માત્ર એક વ્યક્તિનું હડકવાના લીધે મૃત્યુ થયેલું છે. જેમાં તેમણે રસી લેવામાં બેદરકારી દાખવી હતી. આ સિવાય છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં પ્રાણી કરડવાથી હડકવાના રોગના લીધે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયેલ નથી. 2025 માં અત્યાર સુધીમાં કુલ 40065 લોકોને પ્રાણીઓ કરડવાના કેસ અમદાવાદમાં બન્યા છે.હડકવા એ રેબીસ (Rabies) નામના વાયરસથી થતો રોગ છે. આ વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળમાં હોય છે. જ્યારે ચેપગ્રસ્ત પ્રાણી, ખાસ કરીને કુતરા જેવા પ્રાણી કરડે છે અથવા ખંજવાળે છે, ત્યારે તે વાયરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશે છે. આ વાયરસ ધીમે ધીમે ચેતાતંત્ર દ્વારા મગજ સુધી પહોંચે છે અને ત્યાં સોજો પેદા કરે છે.તેના મુખ્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, પાણીથી ભય (હાઈડ્રોફોબિયા), લાળ વધુ પડવી અને આક્રમક વર્તનનો સમાવેશ થાય છે. હડકવાને અટકાવવા માટે પાલતુ પ્રાણીઓનું નિયમિત રસીકરણ, રખડતા પ્રાણીઓથી દૂર રહેવું, અને જો કોઈ પ્રાણી કરડે તો તરત જ ઘાને સાબુ અને પાણીથી ધોઈને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી હડકવા વિરોધી રસી (પોસ્ટ-એક્સપોઝર પ્રોફીલેક્સિસ – PEP) લેવી આવશ્યક છે. આ પગલાંઓ અપનાવીને હડકવા જેવા જીવલેણ રોગથી બચી શકાય છે.

