39
ભાવનગર: વિદ્યાર્થી જીવન વ્યક્તિના વિકાસ માટેનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ સમયગાળામાં શિક્ષણ સાથે સાથે યોગ્ય દિશા અને સમયસર મળી રહેલી મદદનું વિશેષ મહત્વ છે. દરેક વિદ્યાર્થી સમાન સંજોગોમાં અભ્યાસ નથી કરી શકતા. કેટલાકને આર્થિક તકલીફો અને નબળી પરિસ્થિતિના કારણે ભણવામાં મુશ્કેલી પડે છે. આવા વિદ્યાર્થીઓને નોટબુક, કપડા, ફી, સ્કૂલ બેગ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. કેટલાક વ્યક્તિગત દાતા પણ આ પ્રકારની સહાય માટે આગળ આવે છે.
આ રીતે મળતી મદદ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને અભ્યાસમાં રસ વધારવામાં સહાય કરે છે, જે તેમને તેમના સપનાઓ પૂરાં કરવાની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સહાય સમાજ માટે એક ઉત્કૃષ્ટ કાર્ય ગણાય છે.
આવી જ એક સેવા પ્રવૃત્તિ પાલિતાણા તાલુકાની શ્રી શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી છે, જેમાં મારુતિ ડીયામ પરિવાર દ્વારા 1,100 ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ચોપડાઓ બાળકોના શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી બનશે અને ગરીબ બાળકોના વાલીઓને પણ ખર્ચમાં રાહત મળશે.પાલિતાણા તાલુકાની શ્રી શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળામાં તાજેતરમાં પ્રશંસનીય સેવા કાર્યક્રમ યોજાયો. દાતા અનિલભાઈ માણિયા અને તેમના મારુતિ ડીયામ પરિવાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કુલ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણમાં સહાયરૂપ થવાનો હતો અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો માટે મોટો સહારો સાબિત થયો.વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. “હેતુ વિનાનો હેત” જેવા સૂત્ર સાથે કાર્યરત રહેલા દાતાશ્રીઓએ નિઃસ્વાર્થ ભાવથી આ યજ્ઞ પૂરો પાડ્યો હતો. શાળાના આચાર્ય બી.એ. વાળાએ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આવી સેવાઓથી શૈક્ષણિક વૃદ્ધિમાં મદદ મળે છે અને વાલીઓને પણ સામાન ખરીદવામાં થતો ખર્ચ ઓછો થાય છે.

