ગુજરાતમાં ચોમાસું સક્રિય: અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, માછીમારો ગુમ
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે આજે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ, પોરબંદરના તોફાની દરિયામાં “જય સાંકરીયાઆઇ કૃપા” નામની નાની બોટ લઈને માછીમારી કરવા ગયેલા પાંચ માછીમારો ગુમ થયાના અહેવાલ છે. કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પોરબંદરના દરિયાકિનારા વિસ્તારમાં તેમની શોધખોળ ચાલી રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં (આજે સવારે 6 વાગ્યે પૂરા થતા) કુલ 232 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ચીખલીમાં પોણા ચાર ઇંચ જેટલો નોંધાયો છે. આ ઉપરાંત, વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
આજે દિવસ દરમિયાન કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નાગરિકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

