રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે : સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે

by JAYENDRA UPADHYAY
0 comments

અરવલ્લી
કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે છે, જ્યાંથી તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. તેઓ મોડાસા જતી વખતે હિંમતનગરના પ્રાંતિજમાં બે મિનિટનું રોકાણ કર્યું અને લોકોએ તેમનું પુષ્પથી સ્વાગત કર્યુ હતું. ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની આજે મોડાસા ખાતેથી શરૂઆત થશે. જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે મંથન થશે.  43 નિરીક્ષકોની ગઈ કાલે બેઠક યોજાઈ હતી. 1 કેન્દ્ર અને 4 પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના પ્રવાસ કરશે. 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે.

 

અમદાવાદથી રાહુલ ગાંધી બાય રોડ મોડાસા જઈ રહ્યા હતા ત્યારે સાબરકાંઠામાંથી પસાર થતા પ્રાંતિજ ત્રણ રસ્તા પર બે મિનિટ રોકાણ કર્યું હતું અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સંગઠન સૃજનની શરૂઆત ગુજરાતથી થઈ તે અમારા માટે ગૌરવની વાત છે, દરેક જિલ્લામાં નિરિક્ષકો મૂક્યા છે, તેની સાથે ગઈકાલે તેમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. AICC મહાસચિવ કેસી વેણુગોપણ આજે બેઠકમાં હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિતિમાં સંવાદ થશે. આજે અરવલ્લી શરૂઆત કરીને આગામી 45 દિવસમાં ગુજરાતના તમામ જિલ્લા અને શહેરમાં સમીક્ષા કરીને નિર્ણય થશે. કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડી હતી અને કાળા અંગ્રેજની સરકાર સામે પણ કોંગ્રેસ લડશે. રાહુલ ગાંધીએ ગઈકાલે રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠકો કરી હતી, જેમાં જિલ્લા નિરીક્ષકોની નિમણૂંક કરી જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી છે. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ત્યાર બાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે.

 

AICCના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દીધી છે અને પ્રદેશના નિરીક્ષકો ક્યા જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારી લેશે. આ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં જશે. જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય લેશે ત્યાર બાદ સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે. ગઇકાલે અમદાવાદમાં પ્રદેશ કાર્યાલયે પ્રથમ બેઠક યોજ્યા બાદ રાહુલ ગાંધીએ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશના નેતાઓ સાથે કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજી હતી. રાહુલ ગાંધી 6.20 વાગ્યાથી 6.50 સુધી એમ 30 મિનિટ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી હતી. સિનિયર નેતાઓથી લઈ યુવા નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ,
મધુસુદન મિસ્ત્રી સિદ્ધાર્થ પટેલ જેવા સિનિયર નેતાઓ પણ હાજર હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટકોર કરી હતી કે, આપણે ભાજપ સાથે કોમ્પિટિશન કરવાની છે, અંદરો અંદર કરશો નહીં. આ બેઠક બાદ રાહુલ ગાંધી હોટલ હયાત જવા રવાના થયા હતા.

You may also like

Leave a Comment