ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 7ના મોત:મોતનો આંકડો વધવાની શક્યતા

ડીસા
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં સાતથી મજૂરના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , બાજુમાં આવેલું ગોડાઉન ધરાસાશી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.

મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે, આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની શક્યતા છે. આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ, સાત જેટલા મજૂરની લાશ બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાંચ જેટલા ઘાયલ મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેકટર નેહા પંચાલ, ડીસા ડી.વાય.એસ.પી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ડીસાના એસ.ડી.એમ નેહા પંચાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ, એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો. જેના કારણે એક ધાબું પડી ગયું. જેથી કેટલાક લોકો દટાઇ ગયા હતા. આ બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. છ લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ જેટલા લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. જો કે, અત્યારે મોતનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ માહિતી મળી તે મુજબ બોઇલર ફાટવાથી ઘટના ઘટી છે. જેમાં બિલ્ડીંગ ઘરાશાયી થયું છે. જેની નીચે કેટલાક લોકો દટાયેલા છે. જેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, નગરપાલિકા અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ કરી રહી છે. મળતી માહિતી મુજબ, દિપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સીંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે ફટાકડા વેચાણ માટેની પરમિશન લીધેલી છે. જેને લઇ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?