કુકમામાં ગેરકાયદે કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો, 174 બોટલ સાથે એક ઇસમ પકડાયો

by gopal2 bhuj
0 comments

ભુજ: પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ ભુજ અને જિલ્લા પુરવઠા શાખાની સંયુક્ત ટીમે કુકમા ગામે દરોડો પાડી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલાઓનો સંગ્રહ અને વેચાણ કરતા એક ઇસમને ઝડપી લીધો છે. પોલીસ દ્વારા કુલ 174 ગેસ સિલિન્ડર સહિત રૂ. 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન મળેલી બાતમીના આધારે કુકમા ગામે સી.કે. કોમ્પ્લેક્સમાં બાલાજી એન્ટરપ્રાઇઝ દુકાન નં. 07માં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાન અને ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ગેસ સિલિન્ડરો મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી 5 કિલોની ક્ષમતા ધરાવતા 112 ભરેલા ગેસ સિલિન્ડર (રૂ.1,28,800) તથા 62 ખાલી સિલિન્ડર (રૂ.31,000) મળી કુલ રૂ.1,59,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે *હિરેન અવિનાશભાઈ ટાંક (રહે. માધાપર, તા. ભુજ)*ને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ LPG કંટ્રોલ ઓર્ડર-2000, ગેસ સિલિન્ડર રૂલ્સ-2016 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You may also like

Leave a Comment