અમદાવાદના નારોલ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું
અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ અલીફનગર ખાતે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા એક યુવકે પોતાની પ્રેમિકા પર ફાયરિંગ કર્યું છે. સદનસીબે, આ ઘટનામાં યુવતીનો આબાદ બચાવ થયો છે. તેને સામાન્ય ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
શું બન્યું?
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ ઘટના બપોરના સમયે બની હતી. યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરી હોવાથી નારાજ થયેલા તેના જૂના પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. મધ્યપ્રદેશથી આવેલો આ યુવક યુવતીને મળવા આવ્યો હતો અને તે દરમિયાન તેણે ફાયરિંગ કર્યું હતું. ગોળી યુવતીને સામાન્ય રીતે વાગતા તે બચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઝોન ૬ ડીસીપી અને તેમની સ્ક્વોડની ટીમ પણ તપાસ માટે પહોંચી હતી. પોલીસે હાલ ફરાર આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાએ દિવસે દિવસે વધી રહેલા ગુનાઓ પ્રત્યે સમાજમાં ચિંતા જગાવી છે.

