41
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,76,046 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે હાલ નર્મદા ડેમની સપાટી 136.64 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના 15 ગેટમાંથી નર્મદા નદીમાં 4,67,586 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને ડેમ 94 ટકા ભરાયો છે. નદીમાં પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. બીજી બાજુ, ભરૂચના નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાનો વારો આવી શકે છે. ખેડામાંથી પસાર થતી મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેના પગલે કડાણા ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જેના પગલે ગળતેશ્વર પાસે મહીસાગર નદી બે કાંઠે વેહતી થઈ છે. નદી કિનારે નહાવા માટે પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ખેડાથી વડોદરા જિલ્લાને જોડતા કોઝ્વે પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમથી એક લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટર વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી મળીને સુરત એક લાખ 60 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. જ્યારે વિયર કોઝવે ભયજનક સપાટી 7 મીટર વટાવી હાલ 8. 91 મીટર ઉપરથી વહી રહ્યો છે.અરવલ્લીમાં મેશ્વો ડેમ અને માઝમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે. જ્યાં પાણી મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે. શામળાજી-બહેચરપુરા પુલને અડકીને પાણી નીકળી રહ્યા છે. જેના પગલે મેશ્વો નદી કિનારાના ગામડોઓને સતર્ક કરાયા છે. આ સાથે જ ભિલોડા-શામળાજી હાઇવે પર ડાયવર્ઝન ફરી શરૂ કરાયા છે.નોંધનીય છે કે, આજે 30 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે રાજ્યમાં ડેમોની સ્થિતિની વાત કરીએ તો, સરદાર સરોવર નર્મદા નિગમ લી.નો હાલનો સંગ્રહ 312990 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 93.69% જેટલી છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 444755 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 79.72% છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ 78 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 104 ડેમ હાઈ એલર્ટ, 30 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર છે.

