ભુજમાં કોલેજિયન યુવતીની હત્યા: સોશિયલ મીડિયા બ્લોક કરવાના મામલે પાડોશી યુવકનો છરી વડે હુમલો

by chanchal bhuj bhuj
0 comments

ભુજમાં કોલેજિયન યુવતીની હત્યા: સોશિયલ મીડિયા બ્લોક કરવાના મામલે પાડોશી યુવકનો છરી વડે હુમલો

ભુજ શહેરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં બ્લોક કરવાના મામલે પાડોશી યુવકે કોલેજિયન યુવતી પર છરી વડે હુમલો કરી નાખ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું છે. ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.

હોસ્ટેલ જવા નીકળેલી યુવતી પર હુમલો
માહિતી મુજબ, ભુજના એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર ગઈકાલે સાંજે સાક્ષી ખાનીયા હોસ્ટેલ જવા નીકળી હતી. તે સમયે પાડોશી અને ગાંધીધામનો રહેવાસી મોહિત મૂળજી સિદ્ધપરાએ યુવતી પર છરી વડે પ્રહાર કર્યો હતો.

બચાવ કરનાર મિત્રને પણ ઘા
સાક્ષીએ સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધા હોવાથી ગુસ્સે ભરાયેલા આરોપીએ યુવતીના ગળા પર ઘાતક હુમલો કર્યો હતો. આ દરમ્યાન સાક્ષીનો મિત્ર બચાવ કરવા આગળ આવ્યો ત્યારે તેને પણ છરીના ઘા લાગી ગંભીર ઇજા પહોંચી હતી.

પોલીસે મોડી રાત્રે આરોપીને ઝડપી લીધો
યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું. બીજી તરફ, ઘટનાની ગંભીરતા સમજી પોલીસે મોડી રાત્રે જ આરોપીને ઝડપી લીધો છે.

You may also like

Leave a Comment