ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : ઓરેન્જ એલર્ટ જાહેર
અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર મોસમ બગડ્યું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે અને કાલે (27-28 ઓગસ્ટ) ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસવાની શકયતા દર્શાવવામાં આવી છે.
છોટાઉદેપુર, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા-નગરહવેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની ચેતવણીને પગલે માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ પણ ફરમાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 85 ટકા સિઝનલ વરસાદ વરસી ગયો છે.
🔹 અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું કે 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે 18 થી 30 સપ્ટેમ્બર વચ્ચે બંગાળના ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શકયતા છે, જેના કારણે ફરી રાજ્યમાં મેઘરાજા કૃપા વરસાવી શકે છે. નવરાત્રી દરમિયાન પણ છૂટાછવાયા વરસાદ થવાની સંભાવના જણાઈ રહી છે.
વરસાદી માહોલને કારણે રાજ્યના ખેડૂતો સાથે સામાન્ય જનતાએ સાવચેતી રાખવાની તાકીદ કરવામાં આવી છે.

