સમગ્ર વિશ્વમાં દર વર્ષની 13 ઓગસ્ટ એ આંતરરાષ્ટ્રીય વરૂ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં આવેલા ભારતીય વરુના સંવર્ધન કેન્દ્રમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન વરુના 183 જેટલા બચ્ચાનો જન્મ થયો છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સિંહ બાદ હવે વરુના સંવર્ધન કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યું છે. જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ભારતીય વરુના સંવર્ધન કેન્દ્ર માટે પસંદ કરાયું હતું, ત્યાર બાદ અહીં વરૂ સંવર્ધન કેન્દ્ર શરૂ થયું હતું, જેમાં આજે 5 વર્ષ બાદ સફળતા મળી છે.આજે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ મનાવવામાં આવે છે, ત્યારે ભારતમાં ગુજરાત સહિત રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં એક સમયે ખૂબ જોવા મળતા ભારતીય વરુની સંખ્યા લોકો દ્વારા તેના કુદરતી નિવાસ્થાનો ખતમ કરી નાખવાની સાથે કેટલા કિસ્સામાં તેનો શિકાર કરવાથી તેની સંખ્યા એકદમ ઘટી ગઈ.આજે ભારતીય વરુ ભારતમાં સંકટ ગ્રસ્ત પ્રજાતિના માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. વન વિભાગ દ્વારા પણ વરુને સંકટગ્રસ્ત પ્રાણી તરીકે જાહેર કરીને તેના શિકાર કે તેની સામે થતી તમામ ગેરકાયદેસર ગતિવિધિઓને અટકાવીને વરુ ની સંખ્યામાં વધારો થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા.સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સતત ઘટતી જતી વરુની સંખ્યાને ધ્યાને રાખીને જૂનાગઢમાં આવેલા એશિયાના સૌથી જુના પ્રાણીસંગ્રહાલયમાં વરૂની સંખ્યા અને સંતતિમાં વધારો થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા.જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ઇટીવી ભારતને આપેલી વિગતો અનુસાર પાછલા પાંચ વર્ષમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 183 જેટલા બચ્ચાનો જન્મ વરુ સંવર્ધન કેન્દ્રમાં થયો છે, જે સિંહ બાદ કોઈ પણ વન્ય પ્રાણીના સંવર્ધન કેન્દ્રમાં સૌથી મોટી સફળતા ધરાવે છે.સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં આવેલા વરુ સંવર્ધન કેન્દ્રમાં વર્ષ 2019-20 માં 24 વરુના બચ્ચાનો જન્મ થયો હતો, તેવી જ રીતે વર્ષ 2020-21માં 07 વર્ષ 2021-22મા 31 વર્ષ 2022-23મા 33 વર્ષ 2023-24 માં 40 અને વર્ષ 2024-25માં 48 બચ્ચાનો જન્મ થયો છે. આમ પાછલા પાંચ વર્ષમાં કુલ 173 જેટલા વરુના બચ્યાનો જન્મ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં થયો છે.સક્કરબાગમાં આવેલા વરુ સંવર્ધન કેન્દ્રમાં મેટિંગ પિરિયડથી લઈને ગર્ભાવસ્થા અને ત્યારબાદ બચ્ચાના જન્મ સુધીની તમામ પ્રક્રિયાનો વૈજ્ઞાનિક અને પ્રાણી તબીબોની હાજરીમાં નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યાર બાદ પ્રત્યેક પ્રાણીને નિયમિત રીતે આરોગ્ય ની તપાસ અને રસીકરણ દ્વારા સંવર્ધન કેન્દ્રમાં બચ્ચાના જન્મદરને વધારવામાં સફળતા મળી છે.વરુ ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મુક્ત પણે જોવા મળતું હતું, પરંતુ હાલ તે સંકટગ્રસ્ત પ્રજાતિમાં જોવા મળે છે. વરુનું આયુષ્ય જંગલ વિસ્તારમાં છ થી આઠ વર્ષનું હોય છે, પરંતુ જો તેને ઝુ જેવી કોઈ અન્ય જગ્યા પર રાખીને તેની દેખભાળ કરવામાં આવે તો તે 17 વર્ષ સુધી તે જીવતું હોય છે. શ્વાન કુળનું સૌથી મોટું પ્રાણી વરુ પીળા બદામી રંગનું શરીર ધરાવે છે, અને પીઠ પર થોડીક કાળાશ જોવા મળે છે.ભારત માટે શ્વાન કુળનું સૌથી મોટું માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. વરુ સમૂહમાં રહેવાથી તે સામાજિક પ્રાણી પણ બની રહ્યું છે. વરુ મોટે ભાગે સાંજના સમયે હરણ, ચિંકારા, કાળિયાર, શિયાળ, ઘેટા-બકરા અને ઢોરના નાના બચ્ચાની સાથે સસલાનો શિકાર કરતા હોય છે. કોઈ પણ વિપરીત કે અનુકૂળ પરિસ્થિતિમાં વરુ તેની અન્ય પ્રજાતિના પ્રાણીને ભસીને કૂતરાની માફક સંદેશા વ્યવહાર પણ કરતા હોય છે.
38
previous post

