32
ગુજરાતમાં હાલ ચોમાસાએ વિરામ લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. શ્રાવણ મહિનામાં વરસાદ રોકાવવાને કારણે ગરમી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં થોડા દિવસથી કોઈપણ જિલ્લામાં ભારે વરસાદ થઈ નથી રહ્યો. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશનની અસર રહી શકે છે. આ સપ્તાહના અંતમાં એટલે શનિવારે રક્ષાબંધન હોવાથી મોટાભાગના લોકોને રજા હશે. જેથી શનિ-રવિવારે રજા હોવાથી અનેક લોકોએ ફરવાનું પ્લાનિંગ પણ બનાવી દીધું હશે. તો જાણી લો કે, આ રવિવાર સુધી ગુજરાતમાં કેવો વરસાદ પડવાની આગાહી છે. વરસાદ તમારા ફરવામાં વિદ્ન લાવી શકશે કે નહીં? હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે ચોથીથી 10મી ઓગસ્ટ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. આજથી સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને પણ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.હવામાન વિભાગે જણાવ્યું પ્રમાણે, સરેરાશ દરિયાઈ સપાટી પરનું ચોમાસું ટ્રફ હવે અમૃતસર, દેહરાદૂન, શાહજહાંપુર, વાલ્મીકિ નગર, છાપરા, જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ તરફ પસાર થયું છે. ગઈકાલનું ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને પડોશમાંનું અપર એર સર્ક્યુલેશન હવે સૌરાષ્ટ્ર ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી ઉપર છે. ગઈકાલનું ઉત્તર ગુજરાત અને નજીકના દક્ષિણ રાજસ્થાન અપર એર સર્ક્યુલેશન પરિભ્રમણ હવે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે.

