27
એક તરફ ‘ભણશે ગુજરાત, વાંચે ગુજરાત’ જેવા વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે તેવી યોજનાઓ બની રહી છે, તો બીજી તરફ શિક્ષણ તંત્રનું કડવું સત્ય સામે આવ્યું છે. આ પહેલા બનાસકાંઠાના એક સરકારી સ્કૂલમાં ચાલુ ક્લાસે છતના પોપડા પડવાની ગંભીર ઘટના સામે આવી હતી. તો હવે અમદાવાદના સાણંદ તાલુકાની વર્ષો જૂની અત્યંત જર્જરીત આ ગ્રાન્ટેડ શાળાના સમાચાર સામે આવ્યા છે. આ તસવીરો સાણંદના માણકોલ ગામે આવેલી શાળાની છે, જેને જોઈને જ અંદાજો આવી જાય છે કે અહીંની સ્થિતિ શું છે. શાળાની આવી જર્જરિત બાલત હોવાને કારણે ધોરણ 9થી 10ના વિદ્યાર્થીઓ હાલ ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જોકે આ જર્જરીત શાળાનો મામલો ધ્યાને આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને એક ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ તથા ગામની પ્રાથમિક શાળામાં પાલી પધ્ધતિથી વર્ગો ચલાવવાની સૂચના આપી છે.
શાળાની આવી હાલતની રજૂઆત મળતા જ અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ DEOએ DPEOને પત્ર લખ્યો છે કે, જ્યાં સુધી શાળાનું રીનોવેશન નહી થાય ત્યાં સુધી ગામની પ્રાથમિક શાળામાં માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે. આ સાથે શાળાના ટ્રસ્ટીને પણ તાત્કાલિક ધોરણે શાળાનું સમારકામ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઓનલાઇન અભ્યાસ કરાવવા આદેશ આપ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ આ મામલે જણાવ્યું કે, સાણંદના માણકોલ ગામની માધ્યમિક ગ્રાન્ટેડ શાળા છે જે જર્જરીત હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ મળતા જિલ્લા કલેક્ટરની સૂચનાથી મામલદાર દ્વારા આ બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું છે અને હાલ જર્જરીત મકાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ નથી કરાવવામાં આવતો.
આ ઉપરાંત DEOએ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લખ્યું છે કે, જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળની પ્રાથમિક શાળા છે તે શાળાના મકાનમાં પાળી પ્રમાણે માધ્યમિક કક્ષાના વર્ગો ચલાવી શકાય. વધુમાં આ મામલે નિર્ણય ન આવે ત્યાં સુધી આચાર્યને પણ ખાસ સૂચના આપી છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન અભ્યાસ કરવો.

