ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે આવેલા ડાકનીયા તળાવમાં પચાસ જેટલા વાનરોની ટોળી ફસાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે તળાવમાં પાણીની સપાટી વધતા તળાવમાં આવેલી ઝાડીઓ પર રહેલા વાનરો પાંચેક દિવસથી ફસાઈ ગયા છે. આ ઘટનાની જાણ થતા ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આ ફસાયેલા વાનરોની ટોળીની રેસક્યુ કામગીરી હાથ ધરાઈ છે. માહિતી અનુસાર, મહેમદાવાદ તાલુકામાં થયેલા નવ ઇંચ જેટલા વરસાદને પગલે તળાવમાં પાણીની ભારે આવક થઈ હતી. રાતના સમયે પાણીની સપાટી વધતા તળાવની વચ્ચે ઝાડીઓ પર રહેલા વાનર ફસાઈ ગયા હતા.તળાવમાં પાણીની સપાટી વધતા છેલ્લા છ દિવસથી તળાવની વચ્ચે ઝાડીઓ પર રહેલા 50 થી વધુ વાનરોની ટોળી ફસાઈ ગઈ હતી. ગામના સ્થાનિકો દ્વારા વાનરોની સ્થિતિને ધ્યાને લઈ આ બાબતની જાણ સરપંચને કરવામાં આવી હતી. અંતે સરપંચે ગામના યુવાનો સાથે મળી વાનરોને તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.વાનરોને બહાર કાઢવા માટે ગ્રામજનો દ્વારા વાંસની સીડી બનાવવામાં આવી છે. આ સીડી પરથી વાનરો તળાવના કિનારે આવી શકે છે. અત્યાર સુધીમાં પાંત્રીસેક જેટલા વાનરો સીડી મારફતે બહાર નીકળી શક્યા છે, જ્યારે હજી પંદરેક જેટલા વાનરો ફસાયેલા છે.આ બાબતે ગામના સરપંચ વિજયભાઈએ જણાવ્યું કે, “આ ગ્રામ પંચાયત રૂદણનું ડાકનીયા તળાવ છે. તેમાં તારીખ 25 જુલાઈના રોજ ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો. વધુ વરસાદને કારણે તળાવમાં પાણીની સપાટીમાં વધારો થતાં રાત્રે પચાસેક જેટલા વાનરો ફસાઈ ગયા હતા. તારીખ 28 જુલાઈના રોજ અમને ખ્યાલ આવ્યો કે અંદર વાનરો ફસાયેલા છે. તો ગામના મુસ્લિમ મિત્રો તેમજ આજુબાજુના સ્થાનિક યુવાનો દ્વારા તારીખ 30 જુલાઈના રોજ અમે અભિયાન ચલાવ્યું. એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી તેમાંથી પાંત્રીસેક જેટલા વાનરો હાલ બહાર કાઢ્યા છે. પંદરેક જેટલા હાલ હજુ અંદર ફસાયેલા છે.”
24

