ગુજરાતમાં આગામી દિવસોમા રાજ્યની બધી આંગણવાડી બહેનો એકઠી થઈને પોતાના પડતર પ્રશ્નો અને કામગીરીને લઈને વિરોધ કરવા જઈ રહી છે. એક દિવસની રજા માટેની પણ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં આંગણવાડીની બહેનો રણચંડી બનીને સરકાર સામે બાંયો ચડાવવાની છે, તેની તૈયારીઓ આદરી દેવામાં આવી છે.ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા લેખિતમાં આવેદનપત્ર તેમના જવાબદાર અધિકારીને આપી દેવામાં આવ્યું છે. એક દિવસ માટે સમગ્ર ગુજરાતની આંગણવાડીની બહેનો ગાંધીનગરમાં એકત્રિત થઈને પોતાની પડતર માંગોને લઈને ગુજરાતની રાજધાનીમાં રેલી યોજવા જઈ રહી છે.ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના અધ્યક્ષ નિર્મલાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે, આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા અગાઉ નક્કી કરાયેલી બેઠક પ્રમાણે આગામી દિવસોમાં રેલી યોજવા જઈ રહ્યા છીએ. અત્યારે સિન્હા સાહેબ અમારા પીઓના ચાર્જમાં છે. અમારે 4 ઓગસ્ટ 2025ના રોજ ગાંધીનગરમાં એક રેલી કરવાની છે, તેના અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે 700થી વધારે આંગણવાડી બહેનો છે. જે વિવિધ આંગણવાડીઓમાં ફરજ બજાવે છે.આંગણવાડી કર્મચારી સંઘના અધ્યક્ષ નિર્મલાબેને જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાંથી અમારી આંગણવાડીની બહેનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવવાની છે. જ્યાં આખા ગુજરાતમાંથી આશરે 50,000 જેટલી બહેનો એકત્રીત થવાની છે, ત્યાંથી રેલી સ્વરૂપે નીકળીને અમારી માંગોને પગલે સરકારને રજૂઆત કરવામાં આવશે. જો કે જાણવા મળ્યા મુજબ એક દિવસ માટે આંગણવાડી કર્મચારી મહિલાઓ માસ સીએલ ઉપર ઉતરીને ગાંધીનગરની રેલીમાં જોડાવા જઈ રહી છે.જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના અધ્યક્ષ નિર્મલાબેન ચૌહાણ જણાવ્યું હતું કે, અમારા અનેક પડતર પ્રશ્નો છે. જેનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. BLOની કામગીરી સોંપવામાં આવી છે, એટલે ઘણા એવા બહેનો છે કે જેઓ BLOની કામગીરી કરવા માટે સક્ષમ નથી, છતાં અમે સરકારી કર્મચારી ન હોવા છતાં માનદ વેતનમાં હોય અને કામગીરી કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત MMY સહિત ઘણા કામ અમારી પાસે કરાવવામાં આવે છે. અમારા ઘણા પડતર પ્રશ્નો છે, એટલે સરકાર પાસે અમારી લાગણી અને માંગણી છે.
31

