સોમનાથ, 25 જુલાઈ:
દ્વાદશ જયોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતા પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી શ્રાવણ માસની ભક્તિમય શરૂઆત થઈ છે. શ્રાવણ મહિનાની આરંભથી જ દેશભરમાંથી લાખો ભાવિકો શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને કૃપા માટે ઉમટી રહ્યા છે. આશરે 10 લાખથી વધુ ભાવિકો શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે પધારવાની શક્યતા વ્યક્ત થઈ છે.
દરરોજ મહાદેવને વિશેષ શૃંગાર, શ્રાવણ સોમવારે વહેલી સવારે દ્વાર ઉઘળશે
શ્રાવણ મહિનાના તમામ દિવસોમાં શ્રી મહાદેવજીને વિશેષ શૃંગારથી અળંકૃત કરવામાં આવશે. દરેક શ્રાવણ સોમવાર અને તહેવારોના દિવસે મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યે ખુલશે, જેથી ભાવિકો સૌપ્રથમ પુજન-દરસનનો લાભ લઈ શકે. “તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ”ના પાવન મંત્રોથી સમગ્ર મંદિરમંડપ ગુંજાયમાન બનશે.
દિવ્યાંગ અને વૃદ્ધ દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા
દિવ્યાંગજન અને વયવૃદ્ધ દર્શનાર્થીઓ માટે આગવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે તેઓ સરળતાથી દર્શન કરી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વિઝીટર પાથ અને સેવા દળ ગોઠવવામાં આવ્યા છે.
મહામૃત્યુંજય યજ્ઞમાં 21 આહુતિ આપવાનો અવસર
સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માત્ર રૂ. 25 ન્યોચ્છાવર આપીને યજ્ઞમાં 21 આહુતિ આપવાનો પવિત્ર અવસર મેળવી શકે છે. આ યજ્ઞ ભાવિકો માટે શાંતિ, આરોગ્ય અને કલ્યાણનું સાધન બની રહે છે.
ભક્તિમય માહોલ અને સુરક્ષા વ્યવસ્થા
શ્રાવણ મહિને ભક્તિભાવના સાથે સાથે યાત્રાળુઓની સુરક્ષા માટે પણ તંત્ર સતર્ક બન્યું છે. પોલીસ, હોમગાર્ડ, સ્વયંસેવકો અને સીસીટીવીની સહાયથી સમગ્ર ક્ષેત્રમાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે.
સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, શૃંગાર અને આરાધનાનું અભૂતપૂર્વ માહોલ સર્જાશે, જ્યાં દેશભરથી આવનાર ભાવિકો મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરવા આતુરતાપૂર્વક ઉમટી પડશે.

