ગુજરાત ATSને મળી મોટી સફળતા

by JAYENDRA UPADHYAY
0 comments

ગુજરાત ATS દ્વારા આતંકવાદ વિરૂદ્ધ મોટી સફળતા મળી છે. ATS દ્વારા અલકાયદાના ચાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આતંકવાદી AQIS સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ATSએ નકલી ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા હાથ લાગી છે.ગુજરાત ATSએ આતંકી સંગઠન AQIS સાથે સંકળાયેલા મહમદ ફર્દીન, સૈફુલા કુરેશી, મહમદ ફૈક રિઝવાન, જિશાન અલી સહિત 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ આતંકી સંગઠન AQIS સાથે સંકળાયેલા છે અને તેવો સોશિયલ મીડિયામાં યુવાનોને આતંકી સંગઠન AQIS સાથે જોડાવવા માટે પ્રેરિત કરતા હતા તેવામાં ગુજરાત ATSએ બાતમીના આધારે તમામને ઝડપી પાડ્યા છે.ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા ચાર આતંકવાદીઓ વિશે ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. એટીએસના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. આ ચારેય આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા.ATS દ્વારા નોઇડાથી જિશાન અલી, સૈફુલા કુરેશી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરનો, મહમદ ફર્દીન અમદાવાદનો રહેવાસી અને મહમદ ફૈઝ રિઝવાન દિલ્હીનો રહેવાસી છે. ચાર આરોપીઓમાંથી 3 આરોપીઓની ગુજરાતમાંથી જ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ અને મોડાસાથી ઝડપાયેલ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા એપથી સંપર્કમાં હતા.ગુજરાત એટીએસે કહ્યું છે કે આ આતંકવાદીઓને ચોક્કસ ચોક્કસ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, આ ચાર આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ આતંકવાદીઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા. આ આતંકવાદીઓની ધરપકડને સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જોકે, ગુજરાત એટીએસ ઉપરાંત, અન્ય કેન્દ્રીય એજન્સીઓ હવે તેમના નેટવર્ક અને વિદેશી સંપર્કો સહિત અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, “DySP હર્ષ ઉપાધ્યાયને 10 જૂને 5 શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટસ વિશે માહિતી મળી હતી જેઓ અલકાયદા સંલગ્ન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતાં. આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટસ દેશ વિરોધી ભડકાઉ પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. પકડાયેલ તમામ 4 આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટસ લઈને તેમની માહિતી કાઢવામાં આવી હતી. ત્યારબાદ 25થી વધુ લોકોની 4 ટીમ બનાવીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ફતેહવાડીમાં ફરદીન પાસેથી તલવાર અને અલકાયદા સંબંધિત દસ્તાવેજો મળ્યા હતા અને તેના સ્ટેટમેન્ટના આધારે અન્ય 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્લીનો મહમદ ફૈઝ રિઝવાન પાકિસ્તાની સોશિયલ મીડિયાના એકાઉન્ટ સાથે જોડાયેલ હતો. પકડાયેલ તમામ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આસિફ ઉંમરના બયાન, જહુરિયાત ધ્વસ્થ કરી શરિયત લાગુ કરવી, સહિષ્ણુતા ના રહે તેવી પોસ્ટ કરતાં કરતા હતા. બધા આરોપીઓની ઉમર 23 થી 25 વર્ષ છે જેમાંથી કોઈ સિલાઈ કામ તો કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરતા. નોઇડાના ઝીશાન પાસેથી હથિયારોના ફોટા મળ્યા છે પરંતુ હથિયાર મળ્યા નથી. તમામ આરોપીઓની સોશિયલ મીડિયા પોસ્ટના લખાણ ઉર્દુ અને ઈંગ્લીશ ભાષામાં હતા. દિલ્લીનો મોહમ્મદ ફૈઝ મુખ્ય આરોપી જણાઈ આવે તેવું લાગે છે કેમ કે આ સમગ્ર મામલે તે સૌથી વધુ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે.”પુરાવાના આધારે એ.ટી.એસ. ગુજરાત ખાતે ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS) સાથે જોડાયેલ ઉપરોક્ત ચારેય વિરુદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967ની કલમ 13, 18, 38, 39, ભારતીય ન્યાય સંહીતા 2023ની કલમ 113, 152, 196, 61 હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમા બે આરોપીઓની અટક કરી 14 દિવસના રીમાન્ડ મંજુર થયેલ છે તેમજ અન્ય બે આરોપીઓને અટક કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે.અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) એ અલ-કાયદાની દક્ષિણ એશિયાઈ શાખા છે. ભારત ઉપરાંત, તે પડોશી દેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડે છે. એટલું જ નહીં, આ સંગઠન સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવવા તેમજ આતંકવાદી હુમલાઓની યોજના બનાવવા માટે જાણીતું છે.

You may also like

Leave a Comment