સુરત જિલ્લાના માંડવી-ઝંખવાવ માર્ગ પર માલધા ફાટા નજીક SRP ગ્રુપ 10ના બે જવાનોએ પોલીસ બોર્ડ લગાવેલી અર્ટિગા કારે કેટલાક વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ રસ્તા પર પાર્ક કરેલી ત્રણ મોટરસાયકલને પણ અડફેટે લીધી હતી. આટલેથી ન અટકતા, રસ્તાની બાજુમાં શાકભાજી વેચી રહેલા એક ફેરીયાને પણ ટક્કર મારી હતી.જેના કારણે ફેરીયાનો સામાન વેરવિખેર થઈ ગયો હતો અને તેને સામાન્ય ઈજાઓ થઈ હતી.અકસ્માત બાદ સ્થાનિકો એકઠા થયા હતા. કારની તપાસ દરમિયાન કારના ડેશબોર્ડ પર ‘પોલીસ’ લખેલું બોર્ડ જોવા મળ્યું હતું. વધુમાં, કારમાંથી બિયરના ખાલી અને અડધા ભરેલા ટીન પણ મળી આવ્યા હતા. આથી કાર ચાલક દારૂના નશામાં હોવાની શંકા ઉભી થઈ હતી.માંડવી પોલીસે SRP જવાનોની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. સદભાગ્યે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કાર પર ‘પોલીસ’ લખેલું બોર્ડ જોઈને સ્થાનિકોએ તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરી હતી.પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું કે, અર્ટિગા કારમાં સવાર બંને વ્યક્તિઓ ગુજરાત રાજ્ય રિઝર્વ પોલીસ (SRP) ગ્રુપ 10માં ફરજ બજાવતા જવાનો હતા. આ ખુલાસો થતાં મામલો વધુ ગંભીર બન્યો હતો.માંડવી પોલીસ મથકના PSI એ.ટી.રાઠવાએ આ અંગે જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર બન્ને SRP ગ્રુપ 10 ખાતે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. બંનેની અટકાયત કરવામાં આવી છે . હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
29

