આગામી ત્રણ દિવસ માટે કચ્છ, રાજકોટ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ
હવામાન વિભાગે રાજ્યમાં આજથી ફરી ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. બે-ત્રણ દિવસ દરમિયાન ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ આજથી ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ માટે કચ્છ, રાજકોટ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે. આ ચારેય જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લામાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહ ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો છે. સતત છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પવનની દિશા હાલમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ હોવાથી રણપ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતાઓ છે.

You may also like

Leave a Comment