રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત – સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ – આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ – છ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત વઘઈ અને પારડી તાલુકામાં પાંચ – પાંચ ઇંચ, જ્યારે વાપી, સુબીર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર –ચાર ઇંચ, તથા ઉમરગામ, તિલકવાડા, અને ગણદેવી મળીને કુલ ત્રણ તાલુકામાં બે –બે ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૭ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૮૬ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં ૮૧ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૭ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં ૫૦ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૮ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી આ બેય જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાના ગામોમાં નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પુરની સ્થિતીમાં જાનમાલનું નુક્શાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.