ભાદરવા માસમાં મેળાનો માહોલ પુર બહારમાં ખીલી ઉઠ્યો છે. કચ્છમાં હાલ વિવિધ સ્થળે નાના મોટા વાર્ષિક મેળાઓ યોજાઈ રહ્યા છે, ત્યારે ભચાઉ નજીકના વોંધ રેલવે સ્ટેશન સામે યોજાયેલા વાગડના સૌથી મોટા રામદેવપીરના મેળાને મહાળવાનો અબાલ વૃદ્ધ સૌ કોઈએ આનંદ માણ્યો હતો. ત્યારે સામખિયાળી અનાથ આશ્રમમાં બાળકોને પણ મેળાની મોજ માણવા માટે જવું હતું પરંતુ 30 જેટલા બાળકોને એક સાથે મેળામા કેવી રીતે લઇ જવા તે પ્રશ્ન હતો. જોકે ભચાઉ પોલીસની સી ટીમના ધ્યાનમાં આ વાત આવી અને આશ્રમના બાળકોને મેળાનો આનંદ માણવા લઇ જવાયા હતા. પોલીસની આ માનવતાવાદી કામગીરીની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર નાયબ પોલીસવડા સાગર સાંબડા દ્વારા જિલ્લામાં સુરક્ષા સેતુ અંતર્ગત તેમજ સી-ટીમ દ્વારા સીનીયર સીટીજન તથા મહીલા સશકતીકરણ સાથે અન્ય સામાજિક કાર્યક્રમ કરાવવામા આવતા હોય છે. ત્યારે ભચાઉ પીઆઈ એસ.જી.ખાંભલા તથા પોલીસ સી- ટીમ દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના વોંધ ગામે યોજાયેલ રામદેવપી૨ના મેળામાં સર્વ સમાજ સેવા ટ્રસ્ટ(અનાથ આશ્રમ) ના 30 બાળકોને રામદેવપી૨ના મેળામા લઇ જઈ બાળકોને રામદેવપી૨ના દર્શન કરાવી મેળામા વિવિધ ચકડોળોમા બેસાડી આનંદ કરાવ્યો હતો.