ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. ગઈકાલે ગાંધીનગરની ઈન્ફોસિટી ખાતે આયોજિત બજેટ મીટમાં તેમણે રાજ્યના ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા તાજેતરના બજેટ મુદ્દે ચર્ચા કરતા તેમણે તેને “પ્રોગ્રેસિવ અને વિકાસ સુચક બજેટ” ગણાવ્યું.ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ પર મોર્નીગ વોક કરી યુવાનો સાથે સંવાદ કર્યો હતો. રિવરફ્રન્ટ ખાતે તેમણે ગુજરાતી વાનગીઓ ગાંઠિયા, પૌંઆ અને ઉપમાનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે ભાજપ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના પદાધિકારીઓ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.નીતિન નવીન સાથે સંવાદ બાદ એક વિદ્યાર્થીએ કહ્યું કે, “અમારી નીતિન નવીન સાથે મુલાકાત થઈ, જે ખૂબ જ સારા વ્યક્તિ છે. તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે 16-20 વર્ષની વયના યુવાનોએ વિકાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે, “પરીક્ષા પે ચર્ચા એ પીએમ નરેન્દ્ર મોદીની ખૂબ જ સારી પહેલ છે. તેમણે (નીતિન નવીન) એ પણ ભાર મૂક્યો કે જે વિદ્યાર્થીઓ શોર્ટકટ લેવા માંગે છે, એવું વિચારીને કે વહેલા પૂર્ણ કરવાથી તેમને જીવનમાં આગળ વધવામાં મદદ મળશે, તેમણે ફરીથી વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે જીવન કોઈ ટૂંકી દોડ નથી, તે મેરેથોન છે.”ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અમદાવાદના લાલ દરવાજા ખાતે ભદ્રકાળી માતાના મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભાજપના અનેક કાર્યકરો અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હતા.
58

