કુવૈતથી દિલ્લી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E 1232ને શુક્રવારે વહેલી સવારે સુરક્ષા કારણોસર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.ફ્લાઇટને સવારે 6:40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી, જેના કારણે એરપોર્ટ પર તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં કુલ 180 મુસાફરો સવાર હતા. ફ્લાઇટ દરમિયાન એરલાઈનને પેપર મારફતે ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા સંભવિત જોખમ ટાળવા માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.વિમાન લેન્ડ થતા જ CISF,એરપોર્ટ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા અને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. તમામ મુસાફરો હાલ સુરક્ષિત છે.આ મામલે ACP G ડિવિઝન વી. એન. યાદવે જણાવ્યું હતું કે, ‘ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીની માહિતી મળ્યા બાદ સુરક્ષા પ્રોટોકૉલ મુજબ વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું છે. તમામ મુસાફરો સુરક્ષિત છે અને હાલ ફ્લાઇટ તેમજ બેગેજની બારીક તપાસ ચાલી રહી છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.’ હાલમાં વિમાનને આઇસોલેશન બેમાં રાખીને ચેકિંગ પ્રક્રિયા ચાલુ છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા વિમાનના દરેક ભાગ, મુસાફરોના સામાન અને કાર્ગોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ પૂર્ણ થયા બાદ જ ફ્લાઇટ અંગે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી, જોકે અન્ય ફ્લાઇટ્સનું સંચાલન સામાન્ય રીતે ચાલુ રહ્યું છે. બોમ્બ ધમકી ફેક છે કે ગંભીર, તે બાબતે તપાસ ચાલુ છે અને સંબંધિત એજન્સીઓ તમામ પાસાઓથી મામલાની તપાસ કરી રહી છે.
87

