અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હેરોઇનની આંતરરાષ્ટ્રીય હેરાફેરીના ગંભીર કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ સ્થિત NDPSની વિશેષ અદાલતે વિદેશી મહિલા નાગરિકને કડક સજા ફટકારી છે. અદાલતે યુગાન્ડાની નાગરિક મુકાકીબીબી હનાને 20 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.અદાલતે આ ચુકાદો 11 સાહેદો અને 50 દસ્તાવેજી તથા ભૌતિક પુરાવાની વિસ્તૃત તપાસ બાદ આપ્યો છે. કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે માદક પદાર્થોની આંતરરાષ્ટ્રીય હેરાફેરીમાં મહિલાની સંડોવણી ગંભીર બાબત છે અને તેના કારણે યુવાધન નશાની ચપેટમાં આવી રહ્યું છે. આરોપીએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી હેરોઇનની તસ્કરી કરી હતી, જે અત્યંત ગંભીર ગુનો છે. કોર્ટે આ હુકમની નકલ અમદાવાદ જિલ્લા કલેકટરને મોકલી આપવા પણ આદેશ કર્યો છે.આ કેસ વર્ષ 2022માં કોર્ટમાં દાખલ થયો હતો. યુગાન્ડાની મહિલા નાગરિક શારજાહથી અમદાવાદ આવેલી ફ્લાઈટ દ્વારા ભારત આવી હતી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા તેને રોકીને ચેક કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન તેના બેગેજમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. પરંતુ અધિકારીઓને તેના પેટની અસામાન્ય સ્થિતિ (ટાઈટ પેટ) શંકાસ્પદ લાગતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં મહિલાનો એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના પેટમાં ફોરેન બોડી હોવાની સ્પષ્ટ રીતે નોંધ મળી. ત્યારબાદ ડોક્ટરોએ મેડિકલ પ્રોટોકોલ અનુસાર તેના પેટમાંથી 79 જેટલી કેપ્સૂલ કાઢી હતી.આ તમામ કેપ્સૂલ્સની તપાસ કરતાં તેમાં કુલ 869 ગ્રામ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતુંઆરોપી મહિલાએ એરપોર્ટ પર અધિકારીઓને જણાવ્યું હતું કે, તે બિઝનેસ હેતુથી ભારત આવી છે. તેણે દાવો કર્યો હતો કે તે યુગાન્ડાની એમ્પાયર ફાર્મા લિમિટેડ કંપનીમાં કોમર્શિયલ મેનેજર તરીકે કાર્યરત છે, જે હોસ્પિટલ ઇક્વિપમેન્ટ અને મેડિકલ ડિવાઇસના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપની છે. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે તે ભારતની આર.કે. મેડફાર્મ કંપનીના આમંત્રણ પર આવી હતી.આ કેસમાં સરકાર તરફથી દલીલ કરતા સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર (વિશેષ સરકારી વકીલ) સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ કેસમાં પુરાવા સ્પષ્ટ અને મજબૂત હતા. આરોપીએ આંતરરાષ્ટ્રીય સ્તરે હેરોઇનની હેરાફેરી કરવા માટે અત્યંત જોખમી માર્ગ અપનાવ્યો હતો. અદાલતે સમાજ પર પડતી ગંભીર અસરને ધ્યાનમાં રાખીને કડક સજા ફટકારી છે.”અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, માદક પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી જરૂરી છે, જેથી યુવાધનને નશાની લતથી બચાવી શકાય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પર અસરકારક અંકુશ આવી શકે.
113

