અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. કસ્ટમ અધિકારીઓએ વિદેશથી આવેલા એક પુરુષ મુસાફર પાસેથી મોટી માત્રામાં સોનું ઝડપ્યું છે. ઝડપાયેલા સોનાનું કુલ વજન 310.12 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ 44 લાખ રૂપિયા થાય છે. કુઆલાલુમ્પુરથી આવેલા મુસાફર પાસેથી સોનું ઝડપાયું હતું.કસ્ટમ વિભાગના અધિકારીઓએ કુઆલાલુમ્પુરથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં આવેલા એક પુરુષ પેસેન્જરને શંકાના આધારે તપાસમાં લીધો હતો. તપાસ દરમિયાન મુસાફરે ગેરકાયદેસર રીતે સોનું છુપાવી લાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને પેસેન્જરના જીન્સ પેન્ટના ખિસ્સામાંથી સોનાના પીસીસ મળી આવ્યા હતા. મહત્વનું છે કે સોનું દાણચોરી માટે લાવવામાં આવ્યું હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.જોકે કસ્ટમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને 44 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. મુસાફર વિરુદ્ધ કસ્ટમ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને સ્મગલિંગના નેટવર્ક સાથે કોઈ જોડાણ છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી એકવાર ફરી સાબિત થાય છે કે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ ગેરકાયદેસર સ્મગલિંગ રોકવા માટે સતત સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે.
101

