નવસારી જિલ્લાના ગ્રીડ નજીક નેશનલ હાઇવે નં. ૪૮ પર આવેલી વર્ષોથી બંધ પડેલી મહાઆશા રાઇસ મિલ આજે સવારે ચર્ચાનો વિષય બની ગઈ. મિલની અવાવરૂ જગ્યામાંથી એક મહિલાનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા છે.મળતી માહિતી મુજબ, આજે સવારે એક વ્યક્તિ લઘુશંકા માટે મિલના પાછળના ભાગમાં ગયો હતો. ત્યાં તેણે એક રૂમમાં લોહીલુહાણ હાલતમાં અંદાજે ૩૫ વર્ષીય મહિલાનો મૃતદેહ જોયો હતો. આ દૃશ્ય જોઈ તે હેબતાઈ ગયો અને તરત જ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, એલસીબી (LCB), તેમજ નાયબ પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલાની હાલત જોઈ પ્રાથમિક તપાસમાં હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.થોડી જ વારમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ પણ સ્થળ પર પહોંચી તપાસની સમીક્ષા કરી હતી. પોલીસ સૂત્રો અનુસાર મૃતદેહ મિલના ઉપરના માળેથી નીચે લાવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (FSL) ટીમ અને ડોગ સ્ક્વૉડની મદદ લેવામાં આવી હતી. મહિલા હાઇવે આસપાસ રહી કચરો વીણનારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ પોલીસ દ્વારા મૃતકાનું પેનલ પોસ્ટમૉર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોસ્ટમૉર્ટમ તથા એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ જ પોલીસ સ્પષ્ટ કહી શકશે કે આ દુષ્કર્મ બાદની હત્યા છે કે અન્ય કોઈ કારણસર થયેલી ઘટના છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે, જ્યારે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.નવસારી ગ્રામ્ય પોલીસ તંત્રએ આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે, જેથી આરોપી સુધી પહોંચવામાં મદદ મળી શકે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે અને પોલીસે લોકોને અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.
95

