તહેવારોની મોસમ, ખાસ કરીને દિવાળી, નજીક આવતા જ અમદાવાદ શહેરમાં પ્રોહિબિશન એક્ટના ભંગ બદલ પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. શહેર પોલીસે માત્ર 24 કલાકના ગાળામાં બે અલગ-અલગ મોટા દરોડા પાડી, વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી અને સંગ્રહના રેકેટનો પર્દાફાશ કર્યો છે. નરોડા અને ચાંદખેડા વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, હેરાફેરીમાં વપરાયેલું ટ્રક અને એક્ટિવા મળી કુલ ₹35.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે બંને ગુનાઓમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 81, અને 98(2) હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નરોડા-નાના ચીલોડા સર્કલ પાસે પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં છુપાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. પોલીસે ટાટા મોર્ટસની મીની ટ્રકને અટકાવીને તપાસ કરતા, તેમાં ઘરવખરીના જૂના સામાનની આડમાં છુપાવેલો ₹24 લાખની કિંમતની વિદેશી દારૂ 6768 બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રક અને દારૂ સહિત કુલ ₹27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર ચુન્નીલાલ જલવહાની ધરપકડ કરી છે, જ્યારે રાહુલ નામના એક વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.બીજી બાજુ, ચાંદખેડા પોલીસે સ્થાનિક સ્તરે દારૂનો સંગ્રહ અને વેચાણ કરતા એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. ચાંદખેડા રેલ્વે સ્ટેશન પાછળની શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટી વિભાગ-1 માં પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી પુથ્વી પઢીયારને કાળા કલરના એક્ટિવા પર દારૂ સાથે ઝડપી લેવાયો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીએ સોસાયટીમાં ભાડે રાખેલા બે અલગ-અલગ મકાનોમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો.પોલીસે આ મકાનોમાંથી ₹7,38 લાખની કિંમતની વિદેશી દારૂની 564 શીલબંધ બોટલો સહિત એક્ટિવા, મોબાઈલ અને રોકડ મળી કુલ ₹8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તથા પુથ્વી પઢીયારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર ટ્વીંકલ સરદાર નામના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ટીમ બનાવી છે.
64

