તાપીમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને આંતરીને લૂંટાયા
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં ઉત્તર પ્રદેશથી સુરત આવતી આંગડિયા પેઢીની ગાડી પર લૂંટારૂઓએ હુમલો કર્યો હતો. સર્વેલન્સ સ્કોર્પિયો કારમાં આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે ઈસમ મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ બંદૂકની અણી પર તેમને અટકાવી ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરવામાં આવ્યું. પરંતુ તાપી પોલીસે સમય સૂચકતા દાખવીને ગણતરીના કલાકોમાં જ લૂંટારૂઓ પાસેથી અપહરણના ભોગ બનેલા ઇસમોને સહી સલામત છોડાવ્યા અને આરોપીઓને કાબૂમાં લીધા હતા. લૂંટારૂઓએ ધમકી આપી 50 હજાર રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી. તે પણ તાપી પોલીસે રિકવર કર્યા હતા.લૂંટની ઘટના બાદ આરોપીઓ ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભાગી છૂટ્યા હતા. કુલ આઠ જેટલા લૂંટારૂઓએ ઘટના અંજામ આપી હતી. પરંતુ તાપી પોલીસ તાત્કાલિક સતર્ક બની ગઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમથી લઈ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોને હાઈ અલર્ટ પર મૂકી દેવામાં આવ્યા. નાકાબંધીના કારણે થોડા જ કલાકોમાં પોલીસને સફળતા મળી. આરોપીઓને ઝડપીને પોલીસ જાપ્તામાં લઈ લેવામાં આવ્યા.તપાસમાં બહાર આવ્યું છે કે, લૂંટની આ ઘટનામાં સંડોવાયેલા આઠેય આરોપીઓ મૂળ રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લાના રહેવાસીઓ છે. તેમની પાસે ગુનામાં વપરાયેલ ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ ડિઝાયર કાર ઉપરાંત રોકડ રકમ અને એક રિવોલ્વર મળી આવ્યો છે. આ સાથે પોલીસે આરોપીઓને કાબૂમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસને હવે સૌથી મોટો સવાલ એ છે કે, આરોપીઓને આંગડિયા પેઢીની કાર ક્યારે અને ક્યાંથી પસાર થવાની હતી તેની માહિતી કોણે આપી? શું લૂંટની પાછળ કોઈ આંતરિક સૂત્રકાર કાર્યરત હતો? પોલીસ હવે આ દિશામાં તપાસ આગળ ધપી રહી છે.આરોપીઓના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ ચાલી રહી છે. જો કે પ્રાથમિક તારણો દર્શાવે છે કે આરોપીઓ અગાઉથી લૂંટફાટ અને હથિયારધારી ગુનાખોરી સાથે સંકળાયેલા રહ્યા છે. આંગડિયા પેઢીની ગાડીઓ વારંવાર ગુનેગારોના નિશાને આવતી હોવા છતાં, તાપી પોલીસે આ ઘટનામાં ઝડપી કામગીરી કરીને ભયજનક પરિસ્થિતિને કાબૂમાં લીધી છે.આ અંગે તાપીના પોલીસ અધિક્ષક જે.એન દેસાઈએ જણાવ્યું કે, આર. કાંતિલાલ આંગડિયા પેઢીના લોકો સ્કોર્પિયો કારમાં સુરત તરફ આવી રહ્યા હતા. ત્યારે નારાણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર કાર આવી અને તેમને આંતરી લાધા અને તેમનું અપહરણ કરીને કારમાં રહેલી 50 હજારની રકમ લૂંટીને ગુનો આચરવામાં આવ્યો હતો. તેમની સાથે અન્ય એક કાર પણ હતી. કુલ 8 આરોપીઓ હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક નાનાબંધી કરીને અલગ-અલગ ટીમો બનાવવામાં આવી. પોલીસની સતર્કતાના કારણે તાત્કાલિક ગુનો ડિટેક્ટ થયો છે અને કાર સાથે તમામ 8 આરોપી પકડી લેવામાં આવ્યા છે.

