ગોંડલમાં ચાલુ ST બસમાંથી SRP જવાનનું ફિલ્મી ઢબે અપહરણ

by mahi
0 comments

પોરબંદરથી ગાંધીનગર જતી ST બસમાંથી SRP જવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં બહેનના સસરા સહિત 4 લોકોએ પોલીસની ખોટી ઓળખ આપી બસ રોકાવી જવાનને સ્કોર્પિયોમાં નાખી ફરાર થઈ ગયા, ત્યારે પોલીસ આ મામલે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. ગોંડલના ભોજપરા પાસેથી પસાર થઈ રહેલી પોરબંદર-ગાંધીનગર રૂટની એસટી બસને આડે સ્કોર્પિયો કાર નાખી રોકવામાં આવી હતી. થોડીવારમાં જ કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ પોતાની ઓળખ LCB પોલીસ તરીકેની આપી હતી, અને બસમાં સવાર સંજય મુછાર નામના SRP જવાનને ઢસડીને બહાર લઈ ગયા હતા. સ્કોર્પિયોમાં નાખી ફરાર થઈ ગયા હતા. આ સમયે બસમાં કંડકટર કે કોઈ મુસાફર વીડિયો ન બનાવે તે માટે 4 લોકોએ ધમકી આપી હતી.પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસટી બસને ગોંડલના ભોજપરા પાસે બસમાં સવાર SRP જવાનનું ફિલ્મી ઢબે અપહરણ થતા ચકચાર મચી છે. એસટી બસના ડ્રાઈવર-કંડકટરની સમય સૂચકતાના કારણે પોલીસે ગણતરીના કલાકોમાં જ SRP જવાનનો અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પોલીસે આ મામલે ભોગ બનનાર SRP જવાનની બહેનના સસરા સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે. પારિવારિક વિવાદના કારણે આ અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. ગોંડલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.રાત્રિના સમયે 4 શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી, બસ રોકાવી એક શખ્સને ઉઠાવી જતા ડ્રાઈવરે સમગ્ર મામલે તેના ડેપો મેનેજરને વાકેફ કર્યા હતા, ત્યારબાદ પોલીસને સંપર્ક કરાતા પોલીસે તરંતુ જ મામલાની ગંભીરતાને જોઈ અપહરણકર્તાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસ ઉપલેટા તાલુકાના વડેખણ સુધી લંબાઈ હતી. જેમાં વડેખણ ગામમાં દરોડો પાડી પોલીસે અપહત SRP જવાનને મુક્ત કરાવ્યો હતો અને ચારેયને ઝડપી પાડ્યા હતા.પોલીસે અપહરણનો ભોગ બનેલા સંજયભાઈને સહી સલામત છોડાવ્યા અને રવિ મુછાર, મુકેશ ઓડેદરા, મનીષ મોઢવાડીયા અને લાલા મોરીને ઝડપી પાડ્યા. પોલીસે ઘટના સ્થળેથી સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11,15,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, અપહરણનો ભોગ બનનાર સંજયભાઈની બહેનના લગ્ન અપહરણકર્તાના પરિવારમાં થયા હતા. પરંતુ મનમેળ ન થતાં તે પોતાના પિયર પાછી આવી હતી, અને ત્યારબાદ અચાનક ગુમ થઈ ગઈ હતી.અપહરણકર્તાઓને શંકા હતી કે, સંજયભાઈએ જ પોતાની બહેનને ક્યાંક છુપાવી દીધી છે. આ શંકાના આધારે તેમણે ખાર રાખીને અપહરણનું કાવતરું ઘડ્યું હતું. હાલ ગોંડલ તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You may also like

Leave a Comment