પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગઈકાલે સાંજે ડ્રમ ફાટવાની ઘટનામાં બે કામદારોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 20થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના કારણો જાણવા માટે આજે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે મિલની મુલાકાત લીધી હતી. સુરત જિલ્લાનું પલસાણા તાલુકો ઔદ્યોગિક એકમો માટે જાણીતું છે, પરંતુ વારંવાર બનતી દુર્ઘટનાઓ કામદારોના જીવન સાથે રમત રમી રહી છે. ગઈકાલે સાંજે જોળવા ખાતે આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટતાં આગની જ્વાળાઓ ફેલાઈ હતી. કામદારો પોતાનો જીવ બચાવવા દોડ્યા હતા, પરંતુ કેટલાક આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને કલાકો સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે પહેલાં જ 22થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, અને બે કામદારોનાં મોત નીપજ્યાં હતાં.પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રમ ફાટવાને કારણે આગ ફેલાઈ હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. FSL અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ડ્રમ ફાટવાના કારણોની તપાસ કરી રહી છે. ડ્રમ ફાટવા પાછળ કઈ ખામીઓ હતી તે જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.આ ઘટનાએ સ્થાનિકોમાં ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ માટે આખરે જવાબદાર કોણ? કામદારોના જીવનનું મૂલ્ય શું છે? ફેક્ટરીઓમાં સલામતીના નિયમોનું કડક અમલીકરણ થાય છે કે નહીં? આવા સવાલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.કામદારોનું કહેવું છે કે આગ લાગવાનું મુખ્ય કારણ મિલ માલિકોની બેદરકારી છે. યોગ્ય સલામતીના સાધનોનો અભાવ આજે બે નિર્દોષ કામદારોના મોતનું કારણ બન્યો છે, જ્યારે અનેક કામદારો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ તંત્ર અને મિલ માલિકોની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. સુરત જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યો છે, પરંતુ કામદારોની સલામતી માટે કડક પગલાં લેવામાં આવતાં નથી. આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનવા છતાં સરકાર અને તંત્ર માત્ર તપાસની વાતો કરીને જવાબદારીમાંથી છૂટવાનો પ્રયાસ કરે છે. ફેક્ટરી માલિકો માટે ઉત્પાદન અને નફો પ્રાથમિકતા બની રહે છે, જ્યારે કામદારોના જીવનની અવગણના થાય છે. પરિણામે, આજે બે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, અને અનેક કામદારો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે, પરંતુ જવાબદારી લેવા કોઈ આગળ આવતું નથી.
103
previous post

