કલાનગરી ભાવનગરમાં ગણપતિની અનોખી ઉપાસના

by mahi
0 comments

ભાવનગર, જેને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે કલાકારોએ પોતાની કલાના માધ્યમથી ગણપતિની ઉપાસના કરી છે. શહેરના કલાસંઘ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં 101 કલાકારોએ ગણપતિના વિવિધ રૂપોને ચિત્રોમાં ઉતારીને ભવ્ય પ્રદર્શન યોજ્યું છે. આ પ્રદર્શનમાં નાના બાળકોથી લઈને વરિષ્ઠ કલાકારો સુધીના સૌએ ભાગ લીધો છે, જેમાં ગણપતિના વિવિધ સ્વરૂપોને કેનવાસ પર ઉજાગર કરવામાં આવ્યા છે. શહેરવાસીઓને આ ચિત્રો નિહાળવા માટે ખુલ્લું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.ભાવનગરના સરદારનગર ખાતે આવેલી આર્ટ ગેલેરીમાં કલાસંઘ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કલાસંઘના અધ્યક્ષ અજયભાઈ ચૌहાણે જણાવ્યું કે, “આ પ્રદર્શનમાં એક્રેલિક કલર, વૉટર કલર, ઓઇલ કલર જેવા વિવિધ માધ્યમોમાં ગણપતિના 101 ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. અમે છેલ્લા 19 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ. આ ચિત્રો 4 વર્ષના બાળકોથી લઈને 72 વર્ષના વરિષ્ઠ કલાકારો દ્વારા બનાવવામાં આવ્યા છે.”આ પ્રદર્શનમાં 101 કલાકારોએ પોતાની કલાના માધ્યમથી ગણપતિના વિવિધ રૂપો રજૂ કર્યા છે. કલાકાર રઘુવીરસિંહ ગોહિલે જણાવ્યું, “મેં એક રિયલિસ્ટિક ચિત્ર બનાવ્યું છે, જેમાં એક નાની દીકરી ગણપતિ મહારાજના ચરણોમાં ભક્તિભાવથી નમન કરે છે. ગણપતિને વૃદ્ધાવસ્થામાં દર્શાવ્યા છે, જેમની પાસે થાળી છે અને દીકરીની ભક્તિની ભાવના પ્રગટ થાય છે. આ પ્રદર્શન ઉભરતા કલાકારો માટે તેમની મહેનત રજૂ કરવાનું એક ઉત્તમ માધ્યમ છે.”યુવતી શ્રુતિ પરમારે જણાવ્યું કે, “આ પ્રદર્શનમાં 101થી વધુ ચિત્રો રજૂ થયા છે, જે એક્રેલિક કલર, વૉટર કલર, પેપર અને કેનવાસ જેવા વિવિધ માધ્યમોમાં બનાવવામાં આવ્યા છે. ગણપતિને બાળ સ્વરૂપ, કૃષ્ણ સ્વરૂપ, શિવ સ્વરૂપ, કમળ ઉપર અને મૂષક ઉપર જેવા વિવિધ રૂપોમાં દર્શાવવામાં આવ્યા છે.”વૈશાલીબેન શાહે જણાવ્યું, “કલાસંઘ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ટેક્સચર આર્ટ, વર્લી આર્ટ અને અન્ય શૈલીઓમાં ચિત્રો જોવા મળે છે. ઘણા કલાકારોએ મહેનતથી આ ચિત્રો બનાવ્યા છે, જેમાં નાના બાળકો અને ખાસ કરીને શારીરિક રીતે વિશેષ ક્ષમતા ધરાવતા બાળકોએ પણ ભાગ લીધો છે. આ પ્રદર્શન કલાપ્રેમીઓ માટે અદભુત અનુભવ છે.”

You may also like

Leave a Comment