તરણેતર મેળાની ભવ્ય શરૂઆત: 2500 પોલીસકર્મીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત

by mahi
0 comments

થાન તાલુકાના તરણેતર ગામમાં આવતીકાલે, 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન, ત્રીનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત ભાતીગળ તરણેતર લોકમેળો યોજાશે. આ મેળાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, અને આજે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મેળામાં દેશ-વિદેશની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મોટી સંખ્યામાં લોકો અને માનવ મેરામણ ઉમટી પડે છે.24 કલાક યોજાતા આ મેળામાં લોક ડાયરા, રાસ મંડળી, દુહા, છંદ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નાના-મોટા કલાકારો દ્વારા રજૂ થાય છે. આ ઉપરાંત, ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે, જેમાં લાંબી કૂદ, ખોખો, ગોળા ફેંક, કબડ્ડી જેવી રમતોનો સમાવેશ થાય છે. મેળામાં પશુ મેળો પણ યોજાય છે, જેમાં વિવિધ જાતની ગાયો, ભેંસો સહિતનાં પશુઓનું પ્રદર્શન થાય છે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપવામાં આવે છે. મેળાની વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાર્કિંગ, સીસીટીવી કેમેરા અને કન્ટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, ત્રણ દિવસના આ મેળા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની હાજરી રહેશે. આ માટે 2500થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે, જેમાં 8 DYSP, 51 PI અને 100થી વધુ PSIનો સમાવેશ થાય છે. મહિલાઓની સુરક્ષા માટે વિશેષ શી-ટીમોની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, મેળાના સ્થળે સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને પોલીસ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે.વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળો આવતીકાલે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. મેળાના સ્થળે પ્લોટ, પાર્કિંગ, ટોલો, ચગડોળ અને રાઈડ શોની ફાળવણી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.

You may also like

Leave a Comment