105
લસકાણામાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ગુટખા બનાવતી ફેક્ટરી સાથે એક આરોપીને લસકાણા પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના ગુટખાના સ્ટીકર, લુઝ ગુટખાનો જથ્થો સહિત મશીનરી મળી નવ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુજરાતમાં હવે ડુપ્લીકેટ ચીજવસ્તુઓની જ્યાં જુઓ ત્યાં ભરમાર જોવા મળી રહી છે. ખાધ પદાર્થની વાત હોય કે પછી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની વાત હોય તમામે તમામનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું છે. જ્યાં વધુ એક ડુપ્લીકેટ ગુટખા બનાવતી ફેક્ટરી સુરતમાંથી ઝડપાઈ છે. લસકાણા પોલીસે આપેલી માહિતી મુજબ, લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ફેક્ટરી પર ધર્મપાલ સત્યપાલ લિમિટેડ કંપનીના માણસોને સાથે લસકાણા પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી રજનીગંધા અને તુલસી નામક બ્રાન્ડેડ કંપનીના નામે ગુટખા બનાવતી ફેક્ટરી મળી આવી છે. ફેક્ટરી પરથી રમેશ જોસલફર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જયેશ પડસાળા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર રોલ, લુઝ ગુટખા, મશીનરી, કટર મશીન સહિત નવ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ છેલ્લા કેટલા સમયથી અહીં ડુપ્લીકેટ ગુટખા બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યા છે અને ક્યાં ક્યાં સપ્લાય કરે છે તે દિશામાં વધુ તપાસ લસકાણા પોલીસે હાથ ધરી છે. જોકે આ ઇસમો કેટલા ટાઈમથી નકલી વસ્તુ બનાવતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

