રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરાયા હતા. આણંદના ભાદરણ ખાતેથી ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્ય વ્યાપી લોન્ચિંગ મુખ્યમંત્રીએ કરાવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાને 100 ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.રાજ્યના આ 2666 ગામોમાં કુલ રૂ. 663 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે. તેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ પણ પંચાયત મંત્રી રૂષિકેશ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા અને અન્યોની ઉપસ્થિતિમાં કર્યુ હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના 114 તાલુકા મથકના એવા ગામો જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે.તેમણે ઉમેર્યુ કે, શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે તથા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાને આપેલો મંત્ર સમગ્ર અને સંતુલિત વિકાસથી સાકાર થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાણી સંરક્ષણ માટે “કેચ ધ રેન” અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરેક ધારાસભ્યને રૂ. 50 લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી સ્થાનિક સ્તરે રિચાર્જિંગ વ્યવસ્થાઓ ઉભી કરી શકાય. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાની અપીલ કરીને જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને આવતી પેઢીને નિરોગી ભવિષ્ય આપવાનો સંકલ્પ લેવા સૌને જણાવ્યું હતું.
541

