રાપર પોલીસે વ્યાજખોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. કિશોરભા કાનાભા ગઢવી (ઉંમર ૩૮, રહે. અયોધ્યાપુરી, રાપર, કચ્છ)નામનાઆ આરોપીએ એક વિકલાંગ ફરિયાદીને ઊંચા વ્યાજે પૈસા આપી, બમણું વ્યાજ વસૂલીને હેરાન કર્યા હતા. આ અંગેનો ગુનો ૧૬ જાન્યુઆરીના રોજ બપોરે ૪ વાગ્યે રાપર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કરોડીયા અને પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ સાગર બાગમાર દ્વારા ઊંચા વ્યાજ દરે પૈસા આપતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે રાપર પોલીસે આ કાર્યવાહી કરી છેફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેમને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ વ્યાજના બમણા રૂપિયાની જોર-જબરદસ્તીથી ઉઘરાણી કરીને હેરાન-પરેશાન કર્યા હતા. આ ગુનાના અનુસંધાને, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયાને મળેલી બાતમીના આધારે આરોપી કિશોરભા કાનાભા ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનો ધ નાણા ધીરધાર અધિનિયમની કલમો હેઠળ દાખલ કરાયો છે.રાપર પોલીસ જાહેર જનતાને અપીલ કરે છે કે જો કોઈ નાગરિકને આરોપી કિશોરભા કાનાભા ગઢવી કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આ રીતે ઊંચા વ્યાજે રૂપિયા આપી ગેરકાયદેસર વસૂલી કરવામાં આવતી હોય, તો રાપર પોલીસ સ્ટેશનના મો.નં. ૬૩૫૯૬ ૨૬૮૬૨ પર ફોન કરીને જાણ કરવી અથવા રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂ મળીને માહિતી આપવી. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
54

