નવરાત્રીનો પ્રારંભ : પ્રથમ નોરતે મંદિરોમાં ભક્તોની ભીડ

by admin
0 comments


નવરાત્રીનો પ્રારંભ : પ્રથમ નોરતે મંદિરોમાં ભક્તોની ભીડ

ભુજ/અંબાજી/પાવાગઢ/ચોટીલા : આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થતા રાજ્યભરના મંદિરોમાં વહેલી સવારે જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પ્રથમ નોરતે જ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો.

ભુજના આશાપુરા માતાજીના મંદિરમાં સવારથી જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. માતાના મઢ ખાતે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે હજારો ભક્તો વહેલી સવારથી જ તાળ પર પહોંચી ગયા હતા. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી આવેલા ભક્તો “જય માતાજી” અને “જય મહાકાળી”ના નાદ સાથે માતાના દર્શન કરી રહ્યા હતા. યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકાતા એસ.ટી. વિભાગ દ્વારા તળેટીથી ડુંગર સુધી 50 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

શક્તિપીઠ અંબાજી મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. મંદિરને રંગીન ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર ખૂલતાની સાથે જ માતાજીની એક ઝલક મેળવવા ભક્તો આતુર બની ગયા હતા. સમગ્ર ચોક “જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

ચોટીલામાં પણ ભક્તોએ વહેલી સવારથી જ દર્શન માટે લાંબી લાઈનો લગાવી હતી. માતાજીના દર્શન માટે સવારથી જ ભક્તો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

You may also like

Leave a Comment