અમદાવાદમાં બિલ્ડરની હત્યા : વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી
અમદાવાદમાં રવિવારે શહેરને હચમચાવી નાખનાર ઘટના બની હતી. વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી જાણીતા બિલ્ડર હિંમત રૂદાણીની લાશ મળી આવી હતી. તેમના શરીર પર તીક્ષ્ણ હથિયારો વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે CCTV ફૂટેજ અને કોલ રેકોર્ડના આધારે રાજસ્થાનના સિરોહીમાંથી ત્રણ શંકાસ્પદોને પકડી પાડ્યા છે. પોલીસે રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીરને અટકાયત કરી પૂછપરછ માટે અમદાવાદ લાવ્યા છે. હાલ તેમની ચોક્કસ ભૂમિકા અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
હિંમત રૂદાણી અમદાવાદના જાણીતા બિલ્ડર તેમજ પાટીદાર સમાજના અગ્રણી હતા. તેમની કંપની ડી.વી. ડેવલપર્સ શહેરમાં અનેક પ્રોજેક્ટોમાં સંકળાયેલી છે. આ હત્યા પાછળના કારણો અને આરોપીઓ સાથેના સંભવિત સંબંધોને લઈને પોલીસ તફતીશ તેજ કરી છે.

