બારડોલી તાલુકાના નાંદીડા ગામની સીમમાં મુસાફરોથી ભરેલી ST બસ પલટી મારી જતાં નાસભાગ મચી ગઇ હતી. આ અકસ્માતમાં 5 થી 6 મુસાફરોને નાની-મોટી ઇજા થઈ છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. બસમાં સવાર મુસાફરોએ ડ્રાઇવરના બેફામ અને રફ ડ્રાઇવિંગને અકસ્માતનું કારણ ગણાવ્યું છે. આ ઘટના બારડોલી-વ્યારા હાઇવે પર બની હતી. સુરતથી વ્યારા જઈ રહેલી એક ST બસ નાંદીડા ગામની સીમમાં પહોંચી, ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે, બસ રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. બસ પલટી ખાતા અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. બનાવની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસમાં મુસાફરી કરી રહેલા કૌશિકભાઈ બાબરિયાએ જણાવ્યું કે, “હું સુરતથી બસમાં બેઠો હતો. કડોદરા સુધી જ ડ્રાઇવરે 5-7 વખત સ્પીડમાં બ્રેક મારી હતી કે મુસાફરો આગળની સીટ સાથે ભટકાતા હતા. ડ્રાઇવર ખૂબ જ રફ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. અમને પહેલેથી જ ડર હતો કે આ અકસ્માત કરશે.”આ મામલે સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતુભાઈ બામનીએ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મુસાફરો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મુસાફરોના કહેવા મુજબ, ડ્રાઇવર સુરતથી જ બસ બેફામ રીતે ચલાવી રહ્યો હતો. જીતુભાઈએ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને ફોન કરીને ડ્રાઈવર સામે શિક્ષાત્મક પગલાં ભરવા અને તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ST વિભાગના અધિકારીઓએ પણ આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.
122
previous post

