છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગરમાં માજી સૈનિકો નોકરીઓમાં અનામત અને અન્ય માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. આજે સવારે માજી સૈનિકોની રેલી નીકળવાની હતી, પરંતુ પોલીસે તેમના સંગઠનના પ્રમુખ અને અન્ય માજી સૈનિકોને અટકાયતમાં લીધા હતા. આના વિરોધમાં આજે અમદાવાદના એરપોર્ટ સર્કલ પર માજી સૈનિકોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.બપોરે 1:30 વાગ્યે એરપોર્ટ સર્કલ પર માજી સૈનિકો અચાનક એકઠા થયા અને રોડ બ્લોક કર્યો. આના કારણે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સૈનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ માજી સૈનિકોએ જણાવ્યું કે, “જ્યાં સુધી અમારા સંગઠનના પ્રમુખ અને અન્ય સૈનિકોને મુક્ત નહીં કરવામાં આવે, ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું.” પોલીસે એકથી બે માજી સૈનિકોને અટકાયતમાં લીધા હતા, પરંતુ સૈનિકોએ સંગઠિત થઈને પોલીસની ગાડી સામે વિરોધ કર્યો. આખરે પોલીસે અટકાયતમાં લીધેલા સૈનિકોને મુક્ત કર્યા. આ દરમિયાન પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું.માજી સૈનિક અજયપાલસિંહ સિસોદિયાએ જણાવ્યું, “અમારા 10% અનામતનું સંપૂર્ણ પાલન થતું નથી. સરકારે 40% માર્કની શરત લાગુ કરી છે, જેના કારણે છેલ્લા 25 દિવસથી ગાંધીનગરમાં માજી સૈનિકો ધરણા પર બેઠા છે. અમે ગાંધીનગરમાં પરવાનગી પણ લીધી હતી, છતાં અમારા પ્રમુખ અને અન્ય સૈનિકોને અટકાયતમાં લેવામાં આવ્યા. તેમને મુક્ત કરાવવા અમે આ રોડ બ્લોક કર્યો છે. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સંવિધાન મુજબ ક્લાસ 1 અને ક્લાસ 2માં અમને 10% અનામત મળવું જોઈએ. ક્લાસ 3માં પણ અનામતની જોગવાઈ હોવી જોઈએ, પરંતુ સરકારની શરતોના કારણે અમને અનામતનો લાભ મળતો નથી. પરિણામે, માજી સૈનિકોને 15,000થી 20,000 રૂપિયાની સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી પડે છે. સરકાર સૈનિકોના નામે દેશ ચલાવે છે, પરંતુ આજે અમે રોડ પર ઉતરવું પડ્યું છે. છેલ્લા 25 દિવસથી ધરણા પર છીએ, પરંતુ કોઈ અમારી સાથે વાત કરવા તૈયાર નથી. અમે ગૃહમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી બધાને મળ્યા, છતાં અમારી માંગણીઓ પૂરી થઈ નથી.”અન્ય એક માજી સૈનિકે જણાવ્યું, “સરકારે 10% અનામતનું જીઆર જાહેર કર્યું છે, જે રાજ્ય સરકારે અમલમાં મૂકવું જોઈએ. છેલ્લા 21 દિવસથી અમે આંદોલન કરી રહ્યા છીએ, પરંતુ સરકાર અમારી વાત સાંભળતી નથી. અમે 2018થી આંદોલન કરી રહ્યા છીએ, પરંતુ સરકાર દર વખતે અમને આશ્વાસન આપીને ચૂપ કરાવે છે. આપણા રાજ્યનું દુર્ભાગ્ય છે કે માજી સૈનિકોને આંદોલન કરવું પડે છે.”
91
previous post

