અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 269 જપ્ત વાહનોની હરાજી

by mahi
0 comments

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડક્વાર્ટર, મકરબા ખાતે સાણંદ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન હેઠળના જપ્ત વાહનોની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં કુલ 269 વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની મૂળ અંદાજિત કિંમત ₹7,72,200 હતી. જોકે, હરાજીના અંતે આ વાહનો ₹16,51,000માં વેચાયા, જેનાથી સરકારી તિજોરીમાં નોંધપાત્ર આવક થઈ. સાણંદ, સાણંદ GIDC, ચાંગોદર અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનોના જપ્ત વાહનોની આ હરાજીમાં 208 ટુ-વ્હીલર, 57 રિક્ષા અને 4 કારનો સમાવેશ હતો. આ વાહનો લાંબા સમયથી પોલીસ સ્ટેશનોમાં પડ્યા હતા. હરાજીમાં ભાગ લેવા માટે ગુજરાતભરના 54 વેપારીઓએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવીને ડિપોઝિટ જમા કરાવી હતી.પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત આ હરાજીમાં વાહનોની મૂળ અંદાજિત કિંમત ₹7.72 લાખ હતી, પરંતુ વેપારીઓ વચ્ચે ખરીદીની સ્પર્ધાને કારણે 14થી વધુ બોલીઓ બોલાઈ. પરિણામે, વાહનોની અંતિમ વેચાણ કિંમત ₹16.51 લાખ સુધી પહોંચી, જે મૂળ કિંમત કરતાં બમણાથી પણ વધુ હતી. હરાજીના વિજેતા વેપારીઓ એક અઠવાડિયાની અંદર વાહનોનો કબજો મેળવશે, અને હરાજીની રકમ ટૂંક સમયમાં સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે.આ અંગે DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું, “અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના સાણંદ, ચાંગોદર, સાણંદ GIDC અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનોના 208 ટુ-વ્હીલર, 57 રિક્ષા અને 4 કાર એમ કુલ 269 વાહનોની હરાજીનું આયોજન મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાતભરના 54 વેપારીઓએ આમાં ભાગ લીધો. વાહનોની મૂળ કિંમત ₹7,72,200 હતી, પરંતુ 14થી વધુ બોલીઓ બોલાતાં તે ₹16,51,000માં વેચાયા.”હરાજીના વિજેતા નૌશાદ સોઢાએ જણાવ્યું કે તેઓ આવી હરાજીઓમાં નિયમિત ભાગ લે છે. તેમણે ઉમેર્યું, “આ વાહનોનો ઉપયોગ ભંગાર તરીકે થશે. ગુજરાત સરકારની સ્ક્રેપ પોલિસી મુજબ, આ વાહનો ભંગાર અને રિસાયકલિંગ માટે મિલોમાં વેચાશે.” તેમણે બે દિવસ પહેલાં અમદાવાદ આવીને આ હરાજીમાં ભાગ લીધો હતો.આવી હરાજીઓથી પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડી રહેલાં અને બિનઉપયોગી વાહનોનો નિકાલ થાય છે, જેથી જગ્યા ખાલી થાય છે. ઉપરાંત, વાહનોનું ભંગારમાં રૂપાંતર થતાં તેનું યોગ્ય રિસાયકલિંગ થાય છે. પાછલા વર્ષોની સરકારી વાહનોની હરાજીની માહિતી માટે પૂછવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ વિભાગે કોઈ માહિતી આપી નથી.

You may also like

Leave a Comment