નવસારી જિલ્લા પોલીસે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને “તીસરી ગલી ગેંગ” વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) હેઠળ આ ગેંગના 7 સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બીલીમોરાના તીસરી ગલી વિસ્તારમાં સક્રિય આ ગેંગ છેલ્લા દસ વર્ષથી સંગઠિત ગુનાખોરીમાં સંડોવાયેલી હતી. ગેંગનો મુખ્ય સરગના અમીન અનવર શેખ તેના સાગરિતો સાથે મળીને ખૂન, ધાડ, અપહરણ, બળાત્કાર અને ખૂનની કોશિષ જેવા ગંભીર ગુનાઓ આચરતો હતો. આ ગેંગની દહેશતને કારણે સામાન્ય નાગરિકો તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાથી ડરતા હતા.નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકે આ મામલાની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરી, જેનું નેતૃત્વ બી. વી. ગોહિલ (SDPO, ચિખલી) કરી રહ્યા છે. આ ટીમે ઝીણવટભરી તપાસ દ્વારા માહિતી એકત્ર કરી અને ગેંગના સભ્યોની ધરપકડ કરી. અત્યાર સુધીમાં ગેંગના 6 સભ્યો — અમીન અનવર શેખ (42), રોનક ઉર્ફે બોબડો ગિરીશભાઈ પટેલ (24), કેવીન નિલેશભાઈ પટેલ (27), મનોજ ઉર્ફે પદ શિવાજી ગોવિંદા પાટીલ (35), ગૌરવ રાજેશ ચોટલીયા (30) અને માઝ ફકરૂદીન શેખની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી, મહમદ સાબીર મહમદ ઈસરાફીલ અંસારી, હજુ ફરાર છે.આ ગેંગના સભ્યો સામે ખૂન, ખૂનની કોશિષ, અપહરણ, બળાત્કાર, ધાડ, મારામારી અને પ્રોહિબિશન સહિતના કુલ 42 ગુનાઓ નોંધાયા છે. આ કાર્યવાહી નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જે દર્શાવે છે કે પોલીસ અને સરકાર ગુનેગારો સામે કોઈ ઢીલાશ નહીં દાખવે.
83
previous post

