મહુધાના હેરંજ પાસે ખેડા આણંદ જીલ્લાને જોડતો શેઢી નદી પર આવેલ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોઈ છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજ આગામી છ માસ સુધી ભારે વાહનો માટે બંધ કરાયો છે. જેને લઈ ખાતરની ટ્રક ગામોમાં આવી શકતી નથી. જેને કારણે નદી પાર ખાતર વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને 3 કિલોમીટર દૂર જઈ બ્રિજ પાર કરી ખાતર લાવવું પડી રહ્યું છે.આ બ્રિજ નવો બનાવવાનો હોઈ હાલ ટેન્ડર પ્રક્રિયા પણ ચાલી રહી છે. જે પહેલા લાખોના ખર્ચે રિપેરિંગ કામગીરી કરવામાં આવી છે, તે છતાં સ્થિતિ એ જ છે. નવો બ્રિજ બનાવવા ખર્ચો કેમ કરાયો તેમજ રિપેરિંગ કરાયો છે, તો બંધ કેમ કરાયો તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરવાના કારણે છેલ્લા એક વર્ષથી ખાતરની ટ્રક ગામમાં જઈ શકતી નથી. અન્ય વૈકલ્પિક રોડ અનેક ગાબડા અને ખાડાઓ વાળો હોવાથી જોખમી હોઈ ત્યાંથી ખાતર ભરેલી ટ્રક લઈ જવાતી નથી. જેને કારણે નદીની પાર રોડ પર જ ખાતર વિતરણ કરવામાં આવે છે. ખેડૂતોને હેરંજ, ચુણેલ સહિતના ગામોમાંથી ખાતર લેવા નદી પાર જવું પડે છે. ખાતરની ટ્રક ગામમાં ન આવી શકતી હોવાથી ખેડૂતોને ખાતર માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને લઈ વહેલી તકે બ્રિજ બનાવાય તેવી માંગ કરવામાં આવી રહી છે.બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી તાજેતરમાં રૂ.16 લાખના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યું છે. જેમાં સળિયા દેખાતા હોઈ તેની કામગીરી કરી મજબૂતીકરણનું કામ કરવામાં આવ્યું છે. જો કે રિપેરિંગ બાદ પણ ભારે વાહનોની અવરજવર માટે 6 માસ સુધી પ્રતિંબંધ મુકાયો છે. નાના વાહનો જઈ શકે છે. જે પહેલા પણ નાના વાહનો જઈ શકતા જ હતા. લાખોનો ખર્ચ છતાં સ્થિતિ તો એની જ છે, ત્યારે રિપેરિંગ કરાયું તો બંધ કેમ કરાયો અને નવો બ્રિજ બનાવવાનો જ છે તો ખર્ચો કેમ કરાયો તે સવાલ ઉઠવા પામ્યા છે.ગત વર્ષે ભારે વરસાદને કારણે શેઢી નદીમાં પૂર આવ્યું હતુ. જેથી કેટલાક દિવસો સુધી શેઢી નદી પરના આ માઈનોર બ્રિજ પર પાણી રહ્યુ હતુ. જે બાદ તંત્ર દ્વારા બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પુલ ક્ષતિગ્રસ્ત થયો હોઇ સલામતીના કારણોસર ભારદારી વાહનોની બ્રિજ પરથી અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો હતો. જે બાદ હાલ આગામી 6 માસ માટે ભારે વાહનો માટે બંધ કરાયો છે.ખેડૂત યોગેશભાઈએ જણાવ્યું હતું કે, ખાતર લેવામાં અમને એટલી પારાવાર તકલીફ પડે છે, જેની કોઈ હદ નથી. છેલ્લા 2 વર્ષથી આની આ જ સિસ્ટમ ચાલુ છે. અમારે અમારૂ કામ બગાડી અહીં નદી પાર ખાતર લેવા આવવું પડે છે. સમયનો બગાડ થાય છે, કામ બગડે છે, અનેક મુશ્કેલીઓ પડે છે. ઘણીવાર રજૂઆતો કરી છતા તંત્ર કશુ નિવારણ લાવતા નથી. અમારી સરકારને એક જ વિનંતિ છે કે, આ બ્રિજનું કામ સમારકામ જે કરવાનું હોય તે વહેલી તકે કરે જેથી અમારે ખાતર લેવા આવવાની તકલીફથી મુક્તિ મળે.સેવા સહકારી મંડળીના કર્મચારી ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, અહીંથી ખાતર લેવા માટે બધાને એટલા માટે બોલાવવા પડે છે કે ખાતરની ગાડી છે. આ શેઢી નદી પર બ્રિજ બનાવેલો છે. આ બ્રિજ ખલાસ થઈ ગયો છે. ભારે વાહનો બધા બંધ કરેલા છે. અહીંથી જવા નથી દેતા એટલે ખાતરની ગાડી આવે એ અહી આગળ ઉભી રાખીએ છીએ. ખેડૂતોને હેરંજ ચુણેલથી જે ખેડૂતોને જોઈતું હોય એ બધા લોકો અહી લેવા આવે એમને અહીં ખાતરનું વિતરણ કરીએ છીએ. છેલ્લા બે વર્ષથી ચાલુ છે. જાણવામાં આવ્યું છે કે, અઢાર લાખ રૂપિયા ખર્ચો કરી રિપેરિંગ કર્યુ છે.રિપેરિંગ કરવા પાછળનો હેતુ જો એમનો સારો હોત ને રિપેરિંગ કર્યુ હોત, વાહનો અહીંથી જવા દેતા. આ લોકોએ રિપેરિંગ શું કર્યુ છે એ ખબર નહી અઢાર લાખ રૂપિયા ખર્ચો કર્યો છતાં અહીંથી ભારે વાહનો નથી જવા દેતા, ખર્ચો શું કર્યો એ પ્રશ્ન છે. અમે SDM સાહેબને પણ પૂછ્યું હતું. SDM સાહેબે પણ આનો જવાબ આપ્યો નહોતો.
41
previous post

